અમરેલી લોકસભા ચૂંટણી સૌરાષ્ટ્રમાં હાઇપ્રોફાઇલ બની છે. શરૂઆતમાં અમરેલી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી આવતાની સાથે પ્રચંડ પ્રચાર શરૂ થતા જ ભાજપના નેતાઓ ચિંતામાં મુકાયા હતા. છેલ્લા 3 દિવસથી અમરેલી જિલ્લાના ભાજપના દિગ્ગજ નેતાઓ ચૂંટણીના પ્રચારમાં પુરેપૂરું જોર લગાવી રહ્યા છે. ત્યારે શુક્રવારના રોજ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાફરાબાદ ખાતે GSCL ખાતે જાહેરસભા સંબોધી હતી.
જાહેરસભામાં સ્થાનિક-સામાજિક આગેવાનો સહિત સંગઠન દ્વારા મુખ્યપ્રધાનનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સભામાં ઉમેદવાર નારણ કાછડીયા, પૂર્વ સાંસદીય સચિવ હીરા સોલંકી, પૂર્વ કૃષિ પ્રધાન વી. વી. વાઘસિયા સહિત ભાજપના અનેક દિગ્ગજ કાર્યકરો જાફરાબાદના માછીમારો સહિતના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.