- ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી
- મોરબી બેઠકના ઉમેદવાર છે કરોડપતિ
- 8 બેઠક માટે કુલ 71 ઉમેદવારોએ ભર્યું ઉમેદવારી પત્ર
ન્યૂઝ ડેસ્ક: પેટા ચૂંટણીના ઉમેદવારોની સંપત્તિ અંગે વાત કરીએ તો, મોરબી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલ કરોડપતિ છે. કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલે તેમની જંગમ મિલકત 6.72 કરોડ રૂપિયા દર્શાવી છે. જોકે તેમણે હાથ પરની રોકડ આશરે 19 હજાર જેટલી દર્શાવી હતી.
મોરબી બેઠકના ઉમેદવાર છે કરોડપતિ
તો મોરબીની માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઉમેદવાર બ્રિજેશ મેરજાની આવક ત્રણ વર્ષમાં વધી છે. બ્રિજેશ મેરજાએ પોતાના ઉમેદવારી પત્રમાં જણાવ્યા મુજબ તેમની પાસે પોતાની અને પત્નીની મળીને આશરે 2.12 કરોડની સંપત્તિ છે. જેમાં ગત ત્રણ વર્ષમાં 1.21 કરોડનો વધારો થયો છે.
કપરાડાના જીતુ ચૌધરીની આવકમાં થયો વધારો
વલસાડ પેટા ચૂંટણીમાં કપરાડા બેઠક પરથી ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરીએ કરેલા એફિડેવિટ મુજબ તેમની સ્થાવર અને જંગમ મિલતક મળી એક વર્ષમાં રૂપિયા 60 લાખનો વધારો થયો છે. ગત લોકસભાની ચૂંટણીમાં તેમણે દર્શાવેલી આવક અને હાલ દર્શાવેલી આવકની સરખામણીએ આ વધારો જોવા મળ્યો છે.
કપરાડાના ઉમેદવાર જીતુ ચૌધરીએ વર્ષ ૨૦૧૯માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડી હતી. એ સમયે તેમણે પોતાની જંગમ મિલક્ત રૂપિયા 50 લાખથી વધુ દર્શાવી હતી. જેમાં આ વર્ષનો વધારો રૂપિયા 15 લાખથી વધુ છે. તેમની સ્થાવર મિલ્કત રૂપિયા 73 લાખથી વધુ છે. આ વર્ષે જીતુ ચૌધરીએ ભરેલા ઉમેદવારી પત્ર સાથે કરેલા એફિડેવિટમાં તેમની વાર્ષિક આવક રૂપિયા 10.91 લાખ દર્શાવી છે.
ધારીના આ ઉમેદવાર પાસે સૌથી ઓછી રોકડ
અમરેલી જિલ્લાની ધારી વિધાનસભાની બેઠક માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે સંપત્તિમાં ઘણી અસમાનતા જોવા મળી છે. ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયાએ પોતાની કુલ રોકડ આશરે સાડા 13 લાખ રૂપિયા દર્શાવી છે. જ્યારે ધારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયાએ પોતાની પાસે 77 લાખ 98 હજાર 611ની રોકડ હોવાનું ચૂંટણીના સોગંદનામામાં જણાવ્યું છે.