ન્યૂઝ ડેસ્ક: ગુજરાત વિધાનસભાની 8 બેઠક માટે આગામી 3 નવેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે. જેને લઈને બન્ને પક્ષે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ભાજપે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને આવેલા 5 ઉમેદવારોને ટિકિટ આપી છે. ભાજપે અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, ધારીમાંથી જે.વી. કાકડિયા, ગઢડામાંથી આત્મારામ પરમાર, કરજણમાંથી અક્ષય પટેલ, ડાંગમાંથી વિજય પટેલ, કપરાડામાંથી જીતુ ચૌધરી અને લીંબડીમાંથી કિરીટસિંહ રાણાને ટિકિટ આપી છે.
તો સામે પક્ષે કોંગ્રેસ પાર્ટીએ અબડાસા બેઠક માટે શાંતિલાલ સેંઘાણી, મોરબી માટે જયંતી પટેલ, ધારીમાંથી સુરેશ કોટડિયા, ગઢડામાંથી મોહન સોલંકી, કરજણમાંથી કિરીટસિંહ જાડેજા, ડાંગમાંથી સૂર્યકાંત ગાવિત, કપરાડામાંથી બાબુ વરઠા અને લીંબડીથી ચેતન ખાચરને ઉમેદવાર બનાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે 16 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે.
રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી ધારાસભ્યોએ મોટાપાયે રાજીનામા આપતા કુલ 8 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી છેડો ફાડ્યો હતો. જેના પગલે વિધાનસભાની આ બેઠકો ખાલી પડી હતી. જેના લીધે ત્યાં પેટા ચૂંટણી ોજાઈ રહી છે.