તમિલનાડુ સરકારના પ્રધાન કેટી રાજેન્દ્ર બાલાજીએ વધુ એક વિવાસ્પદ નિવેદન આપ્યું છે. બાલાજીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, હિન્દુ ઉગ્રવાદીવાળા નિવેદન માટે કમલ હાસનની જીભ કાપી નાખવી જોઈએ. તેમણે ફક્ત લઘુમતીઓના મત મેળવવા માટે આ નિવેદન આપ્યું છે. વધુમાં તેઓએ કહ્યું કે, કોઈ એક વ્યક્તિના કારણે સમગ્ર સમાજને દોષી ન ઠેરવી શકાય. ચૂંટણી પંચ દ્વારા અભિનેતાની સામે કાર્યવાહી કરવી જોઈએ અને તેમના પક્ષ વિરૂધ્ધ પણ કાર્યવાહી કરવી જોઈએ.
આ અગાઉ ભાજપ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ કમલ હાસન પર પાંચ દિવસ પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી છે. હાસનના નિવેદન ઉપર આકરી પ્રતિક્રિયા આપતા પ્રદેશ ભાજપ દ્વારા તેમના પર વિભાજનકારી રાજનીતી કરવાનો આક્ષેપ કર્યો છે. ભાજપે ભારતના ચૂંટણી પંચ સમક્ષ આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ હાસન સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
પ્રદેશ ભાજપા અધ્યક્ષ તમિલિસાઈ સૌદરરાજને કહ્યું કે, મહાત્મા ગાંધીની હત્યાથી આખો દેશ શોકમગ્ન હતો. કોઈ પણ તેને યોગ્ય ન ઠેરવી શકે. તેમણે કહ્યું કે, આ ગુના માટે ગોડસેને ફાંસી પણ આપવામાં આવી. દુઃખદ છે કે, કમલ હાસને મુસ્લિમ આબાદીવાળા વિસ્તારમાં હિન્દુ ઉગ્રવાદ શબ્દનો ઉપયોગ કર્યો.
નોંધનીય છે કે, કમલ હાસને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, “હું મહાત્મા ગાંધીની પ્રતિમા સામે આ કહું છું કે, સ્વતંત્ર ભારતનો પહેલો ઉગ્રવાદી હિન્દુ હતો અને તેનું નામ નથુરામ ગોડસે છે. હું એ વાત એટલા માટે નથી કહેતો કે અહીં મુસ્લિમો ઉપસ્થિત છે.”
કેટી રાજેન્દ્ર બાલાજી પોતાના નિવેદન માટે હંમેશા ચર્ચામાં રહે છે. આ અગાઉ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતના પિતા ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના પિતા છે.