સુરત: લિંબાયત વિસ્તારમાં પત્નીએ પતિની હત્યા કરી હતી. પતિએ પહેલી પત્નીને મળવા જવાનું કહેતા બીજી પત્નીએ લાકડાના ફટકા અને ચાકુના ઘા માર્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન પતિનું મોત થયું હતું. જે મામલે પોલીસે બીજી પત્ની શબનમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાકડાના ફટકા અને ચાકુના ઘા મારી હત્યા: સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ રામનગર ખાતે રહેતા અકીલ માણીયાર જેમને બે પત્નીઓ છે. 29મી નવેમ્બરના રોજ કામ ઉપર ગયા ન હતા અને તેઓ પોતાની પહેલી પત્ની અને બાળકોને મળવા જવાનું કહેતા બીજી પત્ની શબનમે આવેશમાં આવીને અકીલ ઉપર લાકડાના ફટકા અને ચાકુના ઘા માર્યા હતા. ચાકુના ઘા વાગતા અકીલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને જાતે સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં અકીલનું ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.
પત્ની સામે સપરાધ મનુષ્યવધનો ગુનો: અકીલે બે લગ્ન કર્યા હતા. પહેલી પત્ની શબાના સાથે સાથે બે બાળકો પણ છે અને બીજા લગ્ન શબનમ સાથે કર્યા છે. જોકે લગ્નન બાદ બંને પત્નીઓમાં કોઈ વાતે ઝઘડો થતા શબાના પોતાના બે બાળકો જોડે અલગથી રહેવા લાગી હતી. 29 મી નવેમ્બરના રોજ અકીલે નોકરી ઉપર ન જતાં બીજી પત્ની શબનમને પહેલી પત્નીને મળવા જવા વિશે જણાવ્યું હતું. જેને સાંભળતાં જ શબનમ આવેશમાં આવી ગઈ હતી. અકીલ ઉપર ચાકુના ઘા ઉપરાંત લાકડાના ફટકા માર્યા હતા. અકીલ ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.ઈજાગ્રસ્ત હાલતમાં જોઈને શબનમ પોતે જ અકીલ ને હોસ્પિટલમાં લઈ ગઈ હતી અને ત્યાં અકીલનું મૃત્યુ થયું હતું. આ મામલે લિંબાયત પોલીસે શબનમની સામે સપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.