વડોદરાઃ વૈશ્વિક મહામારી કોરોનાં અને લોકડાઉનના કારણે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત કુબેર ભંડારી ભગવાનનું મંદિર પણ સતત ત્રણ મહિના સુધી બંધ રહ્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ સોમવારે સવારથી કુબેર ભંડારી મંદિરના દ્વાર ભક્તજનો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. કુબેર ભંડારી મંદિરના દ્વાર સવારે આઠ વાગ્યાથી ખુલ્લા મૂકવામાં આવે તે અગાઉથી જ સવારે 6 વાગ્યાથી ભક્તજનોની લાઈન લાગી હતી.
ભક્તજનોએ પણ કુબેર દાદાના દર્શન માટે સંયમ જાળવી સરકારના નિયમોનું પાલન પણ કર્યું હતું. કુબેર ભંડારી મંદિરમાં નિત્યક્રમ મુજબ વહેલી સવારે વૈદિક પૂજા વિધિ કરી આરતી કરવામાં આવી હતી. તે બાદ સવારે આઠ વાગ્યે દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. કુબેર ભંડારી ટ્રસ્ટ તરફથી ભક્તજનોની સલામતી માટે જરૂરી વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી.
આ અંગે કુબેર ભંડારી ટ્રસ્ટના વ્યવસ્થાપક રજનીભાઈ પંડ્યાએ જણાવ્યું હતું ,કે મંદિર તરફથી પ્રવેશ દ્વાર પાસે સેનેટાઈઝર ટનલની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાંથી ભક્તજનોને પસાર કરવામાં આવે છે. ત્યારબાદ સેનેટાઈઝર થી હાથ સફાઈ અને થર્મલ ગનથી દરેકનું તાપમાન માપવામાં આવી રહ્યું છે. મંદિરના દ્વાર ભક્તજનો માટે સવારે આઠથી બપોરે 12 વાગ્યા સુધી અને બપોરે 1 થી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લા રહે છે.
મંદિર તરફથી ભક્તજનો માટે જે અન્નક્ષેત્ર અને ધર્મશાળાની સુવિધા હતી. તે હાલ બંધ રાખવામાં આવી છે સાથે સાથે નિજ મંદિરમાં બેસીને પૂજા અર્ચના કરવાની તેમજ મંદિરમાં અન્ય ધાર્મિક વિધિ પણ બંધ રાખવામાં આવી છે.