વડોદરાઃ શહેર નજીક કરોડીયા ગામને તાજેતરમાં મહાનગરપાલિકામાં સમાવી લેવામાં આવ્યું છે. જયારે પાલિકામાં સમાવિષ્ટ થતાની સાથે જ ત્યાંની એક ખાનગી હોસ્પિટલને કોવિડની સારવાર કરવા પાલિકા દ્વારા પરવાનગી આપવામાં આવી છે. આથી સરપંચની આગેવાનીમાં હોસ્પિટલની આસપાસની સોસાયટીના રહીશો દ્વારા હોસ્પિટલને કોવિડ સારવારની પરવાનગી રદ્દ કરવાની માંગણી કરી રહ્યા છે, કોવિડ સેન્ટરની પરવાનગી રદ કરવાની માંગણી સાથે આરોગ્ય અમલદારને આવેદનપત્ર આપવા પહોચ્યા હતા.
વડોદરા શહેર અને જીલ્લામાં દિવસેને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે. આ કોરોનાના વધતા કેસના કારણે અનેક હોસ્પિટલ ફૂલ થઇ ગઈ છે. જયારે હવે દર્દીઓની વધતી સંખ્યાને જોઇને પાલિકાએ ખાનગી હોસ્પિટલને પણ કરોનાની સારવારની પરવાનગી આપી છે. તાજેતરમાં કરોડીયા ગામમાં આવેલી કપિલાદક્ષ મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલમાં કોરોનાની સારવાર શરુ કરતા આસપાસમાં આવેલી સત્યમ ટેનામેન્ટ, અમરનાથ ટેનામેન્ટ, દીપજયોતિ સોસાયટી અને દ્વારકેશ રેસીડેન્સીના રહીશોએ વાંધો ઉઠાવ્યો છે.
ઓછી જગ્યામાં અને રહેણાંક વિસ્તારના અવરજવર વાળા રસ્તે જ કોરોનાની સારવારની પરવાનગી આપતા વિરોધ વ્યક્ત કરી કરોડીયા સરપંચ વિજયસિંહ ચાવડાની આગેવાનીમાં સ્થાનિક લોકોએ મહાનગરપાલિકાના આરોગ્ય અમલદારને આવેદનપત્ર આપ્યું હતું.
આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, સોસાયટીઓમાં જવાના કોમન રસ્તાની બાજુમાં જ આ હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં ડૉકટર અને પેરામેડિકલ સ્ટાફે લેવી પડતી કાળજી તેઓ યોગ્ય રીતે લેતા નથી. આથી આ રોગનું સંક્રમણ ફેલાવાનો ભય રહે છે. આ ખાનગી હોસ્પિટલમાં પોતાનું પાર્કિંગ પણ નથી. આ સહિતના કારણોસર આ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલા કોવિડ સેન્ટરને તાત્કાલિક બંધ કરવું જોઈએ તેવી રહિશો દ્વારા માગ કરવામાં આવી રહી છે. આ આવેદનપત્ર હોસ્પિટલની આસપાસના રહીશોએ આરોગ્ય અધિકારી ડો.દેવેશ પટેલને આપ્યું હતું. આ હોસ્પિટલ સામે ભૂતકાળમાં પણ મેડિકલ વેસ્ટ ગમે ત્યાં ફેંકવા બાબતે ફરિયાદો કરવામાં આવી હોવાનું સ્થાનિક રહીશોએ ઉમેર્યું હતું.