- વડોદરામાં વરસાદી ઋતુના પ્રારંભ સાથે ચેપીરોગના કેસમાં વધારો
- ચેપીરોગ હોસ્પિટલમાં 16 દર્દીઓ દાખલ
- કમળો, ઝાડાઉલ્ટી, ટાઈફોઈડ અને તાવના કેસો સામે આવ્યા
વડોદરા: રાજ્યભરમાં વર્ષા ઋતુનું આગમન થઈ ચૂક્યું છે. વરસાદને કારણે પાણી જન્ય રોગો પણ સામે આવી રહ્યા છે. શહેરના સરકારી ચેપીરોગ હોસ્પિટલમાં 16 કેસો નોંધાયા છે,જેમાં કમળો, ઝાડા-ઉલ્ટી, ટાઈફોઈડ અને તાવના કેસો સામે આવ્યા છે. સરકારી ચેપીરોગ હોસ્પિટલના નિષ્ણાંત તબીબ ડો.પ્રદીપ ઉપાધ્યાયે લોકોને વાસી ખોરાક ટાળવા તેમજ પાણી ઉકાળીને પીવા અપીલ કરી હતી.
16 દર્દીઓ સારવાર હેઠળ
શહેરમાં કોરોનાની બીજી લહેર નબળી પડી છે.જોકે મ્યુકોરમાઈકોસિસના કેસો યથાવત છે. જીલ્લામાં ડેલ્ટા પ્લસ વેરીએન્ટનો પ્રથમ કેસ સામે આવ્યો છે. હાલ વરસાદી સિઝનને કારણે શહેરમાં પાણીજન્ય રોગ ફેલાવવાની શરૂઆત થઈ ગઈ છે. શહેરના સરકારી ચેપીરોગ હોસ્પિટલમાં કમળો, ઝાડાઉલ્ટી, ટાઈફોઈડ અને તેના કારણે આવતા તાવના લક્ષણો સહિતના 16 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે.
આ પણ વાંચો : કોરોના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ અમને પ્રેરણા પૂરી પાડે છે : ડૉ. નિશિતા
દુષિત પાણીના કારણે થાય છે રોગ
શહેરના સરકારી ચેપીરોગ હોસ્પિટલના નિષ્ણાંત MBBS ડો.પ્રદીપ ઉપાધ્યાયે Etv Bharat સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, ચેપીરોગ હોસ્પિટલમાં 16 દર્દીઓ સારવાર હેઠળ છે.જેમાંથી 8 કેસો કમળાના, 2 ઝાડા ઉલ્ટીના ,અને 6 કેસો ટાઈફોઈડ અને તાવના છે. મોટાભાગે ખાવા પીવાથી દૂષિત પાણીથી દૂષિત ભોજનથી રોગચાળો ફેલાતો હોય છે.
પાણી અંગે તકેદારી
સૌ પ્રથમ પાણી પીવામાં આવે તે ચોખ્ખું છે કે નહીં તેની ખાતરી લેવાની, ઘરમાં પીવાના પાણીની લાઇનમાંથી પાણી જો ચોખ્ખું વ્યવસ્થિત આવતું ન હોય તો કોર્પોરેશનને જાણ કરવી, પાણી ઉકાળીને પીવું અથવા તો ROનું પાણી પીવું જોઈએ. ઘરમાં પણ સ્વચ્છતા રાખવી જોઈએ. જે પ્રકારે આપણે સૌએ કોવિડમાં તકેદારી રાખી છે તેવી જ તકેદારી હમણા રાખવાની જરૂર છે.
ખોરાક અંગેની તકેદારી
બહાર જઈને આવીએ તો હેન્ડ વોશ કરવા જોઈએ. વાસી ભોજન અને લારી ગલ્લા ઉપર ખાતી વખતે સાફ-સફાઈ છે કે નહીં તેની ચોક્સાઈ જોવાની કારણ કે ઘણી વખત ખાવા-પીવાની વસ્તુઓ વાસી થઈ જાય અને એને જ્યારે આપણે ખાઈ લઈએ છે તેમાં તકલીફ વધી શકે છે. હમણાં કોવિડમાં આપણે સ્વચ્છતા રાખી છે, એવી સ્વચ્છતા કાયમ રાખીશું આવા રોગોથી આપણે બચી શકીશું. ગયા વર્ષ કરતા આ વર્ષે કેસો ઘણા ઓછા જોવા મળ્યા છે, જેનાથી આપણે અંદાજો લગાવી શકીએ છે.હાલમાં આપણે હાથ ધોવાની જે ચોકસાઈ રાખી છે તો કેસ ઓછા જોવા મળ્યા છે. આવનાર સમયમાં પણ તે વધે નહીં તે બાબતે તકેદારી રાખીશું તો ઘણું સારું રહેશે.
આ પણ વાંચો : સુરતમાં મ્યુકોરમાઇકોસીસના કુલ 224 કેસ નોંધાયા, નવી સિવિલ હોસ્પિટલમાં અલગ વૉર્ડ શરૂ કરાયો
ડોક્ટરની સલાહ મુજબ દવા લેવી
કોઈને પણ તકલીફ થતી હોય હાથ પગનો દુખાવો થતો હોય તો જે લોકો મેડિકલ સ્ટોરમાંથી જાણ વિના દવા લઈ લે છે તે ન લેવી જોઈએ, ડોક્ટરની સલાહ લીધા બાદ જ દવા લેવી, કારણકે લોકો ઘણા બધા દુખાવાની દવાઓ લેતા હોય છે, જે આપણી કિડનીને પ્રભાવિત કરી શકે છે. ઘણા લોકો એન્ટીબાયોટેક દવાઓ લેતા હોય છે, ઘણી વખત તો એન્ટિબાયોટિક દવાઓને કારણે પણ અન્ય તકલીફો ઊભી થઈ શકે છે, એટલે સ્વનીદાન કરવું નહીં તેમ જ જાતે દવા લેવી નહી. કોર્પોરેશન અથવા આરોગ્ય વિભાગના કાર્યરત સેન્ટર પર જઈને સલાહ મુજબ દવા લેવી