- વડોદરા મનપાનાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન
- પાલિકામાં સેનેટાઇજરની પ્રકિયા હાથ ધરાઇ
- જાહેરનામાનો ભંગ કરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી
વડોદરાઃ કોરોના વાઈરસે વડોદરા શહેર સહિત સમગ્ર વિશ્વમાં મહામારી ફેલાવી છે. ત્યારે વિવિધ સંસ્થાઓ અને રાજકીય પક્ષો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સેનેટાઇઝિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંગે વાંધો ઉઠાવી વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં સેનેટાઇઝિંગ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અને આ જાહેરનામાં નીયમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે ફોજદારી કાર્યવાહી કરવા પણ ઉલ્લેખ કર્યો હતો.
આ દરમિયાન વડોદરા શહેરના નગરસેવક રાજેશભાઈ આયરે દ્વારા પોતાના વિસ્તારમાં સેનેટાઇઝિંગની કામગીરી કરાતા ફોજદારી કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી હતી. ત્યારે હવે છેલ્લા બે દિવસથી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે વિવિધ શાખાઓમાં સેનેટાઇઝિંગની કામગીરી હાથ ધરાતા લોકમુખે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
આ અંગે વડોદરા મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર પી. સ્વરૂપનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, જો જાહેરનામું બહાર પાડ્યું હોય અને તેમ છતા પણ સેનેટાઇઝિંગની કામગીરી હાથ ધરવામાં આવે તો તે તપાસનો વિષય છે. કોઈ લેખિતમાં અમને ફરિયાદ આપશે તો અમે તપાસ કરીશું.
આરોગ્ય અમલદાર દ્વારા સેનેટાઇઝિંગની કામગીરી કરતા સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસને કામગીરી રોકવા જણાવી ફોજદારી કાર્યવાહીની ચીમકી આપી હતી. ત્યારે હવે પાલિકાની કચેરીમાં જ સેનેટાઇઝિંગની કામગીરી થતા અને કમિશનરના નિવેદનના પગલે તેઓ લેખિતમાં ફરિયાદ આપવા તૈયારી દર્શાવી હતી. ત્યારે હવે અહીં સવાલ એ ઉભો થાય છે કે મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરવા વાળી વ્યક્તિની શોધ હતી. પાલિકાના સત્તાધીશો દ્વારા જ જાહેરનામાનો ભંગ કરી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર તેઓ સામે પગલા ભરે છે કે કેમ તે જોવું રહ્યું ?