વડોદરા: શહેરમાં કોરોનાના કેસની રફ્તાર વધી રહી છે, જેમાં ઓમિક્રોન પોઝિટિવ કેસની (Omicron Positive Case) સંખ્યામાં પણ રેકોર્ડ બ્રેકિંગ વધારો જોવા મળી રહ્યો છે. જે સ્વાસ્થ્ય તંત્ર સહિત શહેરવાસીઓ માટે ચિંતાનો વિષય છે. હવે વડોદરાનું તંત્ર સજાગ બન્યું છે અને જ્યાં ઓમિક્રોનના કેસ સામે આવ્યા છે ત્યાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન અંતર્ગત સ્ટીકર મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલ હરણી રોડ (Harni Road Vadodara) પર આવેલી સોસાયટીમાં આવેલા ઓમિક્રોન પોઝિટિવ કેસના દર્દીને ત્યાં આ સ્થિતી જોવા મળી રહી છે.
એક દિવસમાં 7 કેસ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં
રાજ્યના તંત્રની તમામ તકેદારીઓ છતાં વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોનાના ઓમિક્રોન વેરીયન્ટના કેસ નોંધાયા છે. સંભવિત રીતે વડોદરામાં અન્ય શહેરોની સરખામણીએ ખુબ ઝડપથી ઓમિક્રોન પોઝિટિવ કેસ વધી રહ્યા છે. 17 ડિસેમ્બરથી આજદિન સુધી ઓમિક્રોન પોઝિટિવ કેસની (Omicron Positive Case) સંખ્યા 14 પર આવી પહોંચી છે, જેમાં એક ઝાંબિયાથી આવેલા દંપત્તિનો પ્રથમ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમના ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા લોકો ઓમિક્રોન પોઝિટિવ આવ્યા હતા અને તે જ દરમિયાન યુકેથી આવેલી યુવતિ અને તાન્ઝાનિયાથી આવેલો પુરૂષ પણ ઓમિક્રોન પોઝિટિવ આવતા હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
હરણી રોડ માઈક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર
શહેરમાં ઓમિક્રોન વેરીયન્ટના કેસ વધતા હવે તંત્ર સજાગ બન્યું છે અને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી હાથ ધરી રહ્યું છે. આ કામગીરી અંતર્ગત હરણી રોડ પર આવેલી સોસાયટીમાં ઓમિક્રોન પોઝિટિવ કેસના દર્દીને મળી આવતા માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરી ઘર પર સ્ટીકર મારવામાં આવ્યું છે. કોરોના કેસ અને ઓમિક્રોન પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થતા હવે જે ઘરમાં કોરોના અથવા ઓમિક્રોન પોઝિટિવ આવે ત્યાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવાની શરૂઆત કરાઈ છે અને ઘરની બહાર સ્ટીકર મારવાની શરૂઆત કરાઈ છે.
આ પણ વાંચો: ભારતમાં ડેલ્ટાએ જે ખાનાખરાબી કરી એટલો ઘાતક નહીં હોય ઓમિક્રોન: વાઈરોલોજિસ્ટ
આ પણ વાંચો: સુરતમાં 5 લાખ રેપીટ કીટ ખરીદવા સ્ટેન્ડિંગ કમિટીએ આપી પરવાનગી