- રાજ્યમાં વરસાદની ઘટ
- ખેડુતોમાં પાક નિષ્ફળ જવાનો ડર
- વિશેષ પ્રથા દ્વારા ઈન્દ્રદેવને મનાવી રહ્યા છે ગામજન
વડોદરા: જિલ્લાના ડેસર તાલુકાના જાંબુગોરલ ગ્રામ પંચાયતના ખેડૂતોએ છેલ્લા બે દિવસથી ગામને હિલ્લોળે ચઢાવ્યો છે. ખેડૂતો રોજ સાંજના સમયે ભેગા થઇને જોર-જોરથી બૂમો પાડીને અનોખી વેશભૂષા ધારણ કરીને પાંચ ગામ ફરે છે અને ઘરે-ઘરે અનાજ લોટ માગીને લાવે છે. આ અનાજ અને લોટ પશુ-પક્ષીઓને ખવડાવે છે અને કૂતરાઓને રોટલા કરીને રોજ ખવડાવે છે.
પાક નિષ્ફળ જવાનો ડર
આ વર્ષે રાજ્યમાં વરસાદની ઘટ છે. છેલ્લા કેટલા દિવશથી વરસાદ ન પડતા ખેડૂતોની ચિંતામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મોંઘા બિયારણ લાવીને સખત મહેનત કર્યાં બાદ વાવણી કરી હોવાથી પાક નિષ્ફળ જશે તેવો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. ડાંગર, કપાસ, તુવેર, તલ, તમાકુ, મરચી, દિવેલા, શાકભાજી સહિતના પાક વરસાદ નહીં વરસે તો નિષ્ફળ જશે તેવું હાલનું વાતાવરણ જોતાં લાગી રહ્યું છે.
આ પણ વાંચો : ભુજના ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં બરફના શિવલિંગે જમાવ્યું આકર્ષણ
વર્ષોથી ચાલતી પ્રથા
આદીઅનાદીથી ચાલતી પ્રથા પ્રમાણે દેવોને જગાડવા માટે હલ્લેક હલ્લેકના પોકારો કરીને ગામેગામ ફરીને મેઘરાજાને મનાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. દાયકા અગાઉ આ પ્રમાણેનું વાતાવરણ થતાં ગામજનોએ મેઘરાજાને મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રથા વિશે બીજા ગામના ખેડૂતોને જાણ થતા તેઓ પણ મેઘરાજાને મનાવવા નીકળ્યા હતા. માત્ર 30 કલાકના સમયગાળામાં આકાશમાં કાળાડિબાંગ વાદળો ચઢી આવ્યા હતા અને મુશળધાર વરસાદ વરસ્યો હતો. તે દાખલો આજે પણ ખેડૂતો વાગોળી રહ્યા છે. વરસાદ જરૂર આવશે તેવી અપાર શ્રદ્ધા રાખીને ખેડૂતો મુવાડા, જાંબુગોરલ, બારીયાના મુવાડા, બૈડપ, દાજીપુરા અને કુનપાડ જેવા ગામોમાં ફર્યા હતા અને ઈન્દ્ર દેવને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો : દોઢ વર્ષમાં પ્રથમ વખત ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો એક પણ દર્દી ન હોવાથી કોરોના વોર્ડ કરાયો બંધ