- શહેરની ગોત્રી જનરલ હોસ્પિટલમાં રેમડેસીવીરનું કૌભાંડ પકડાયું
- 15000માં વેચવામાં આવતું હતું એક ઈનજેક્શન
- પોલીસે કરી આરોપીઓની ધરપકડ
વડોદરા : જિલ્લાની ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ માટે ઉપયોગમાં લેવાતા નોટ ફોર સેલ લખેલા ઈન્જેક્શન બ્લેકમાં વેચતા કૌભાંડનો ક્રાઇમ બ્રાંચે ડમી ગ્રાહક ઉભો કરીને પર્દાફાશ કર્યો હતો.કૌભાંડમાં પોલીસે ગોત્રી મેડિકલ કોલેજના ઓક્સિજન પ્લાન્ટના ઓપરેટર, ગોત્રી હોસ્પિટલમાં કોવિડ સેન્ટરમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતી મહિલા સર્વન્ટ અને ગોત્રી મેડિકલ કોલેજના સર્વન્ટની ધરપકડ કરી હતી. ગોત્રી મેડિકલ કોલેજ અને ગોત્રી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા કર્મચારીઓ દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન બ્લેકમાં વેચવાના કૌભાંડનો પર્દાફાશ થતાં ખળભળાટ મચી ગયો હતો.
આરોપીને પકડવા માટે પોલીસે ગોઠવી વોચ
પોલીસને બાતમી મળી હતી કે ગોત્રી મેડિકલ કોલેજના કર્મચારીઓ દ્વારા ગોત્રી હોસ્પિટલમાં કોરોના દર્દીઓને આપવામાં આવતા અને નોટ ફોર સેલના રેમડેસીવીર ઈન્જેક્શનો બ્લેકમાં વેચવામાં આવી રહ્યા છે જેને આધારે તેઓએ ક્રાઇમ બ્રાંચના PI. વી.આર. ખેર અને PI. એ.બી. જાડેજાના માર્ગર્શન હેઠળ સ્ટાફની મદદ લઇને ડમી ગ્રાહક ઉભો કરી આ કૌભાંડનો પર્દાફાશ કરવા ગોત્રી મેડિકલ કોલેજ ખાતે વોચ ગોઠવી હતી.
![hos](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vdr-rural-06-vadodara-crime-banche-remdesivir-injacton-ni-kada-bazari-karta-aaropi-jadpaya-avb-gjc1004_18052021200822_1805f_1621348702_366.jpeg)
આ પણ વાંચો : રેમડેસીવીર ઈન્જેકશન માટે ઓનલાઈન રૂપિયા લઈ છેતરપિંડી કરતા આરોપીની ધરપકડ
એર ઈનજેક્શન 15 હજારનું
વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમે ડમી ગ્રાહક ઉભો કરીને રેમડેસીવીર ઈન્જેક્શન વેચતા કર્મચારી સાથે ઈન્જેક્શનનો 15 હજાર રૂપિયામાં સોદો કર્યો હતો સોદા પ્રમાણે કર્મચારી ઈન્જેક્શન લઇને ડમી ગ્રાહકને આપવા માટે આવતા જ વોચમાં ગોઠવાયેલી પોલીસે દબોચી લીધો હતો. પોલીસે ઈન્જેક્શન વેચવા માટે આવેલા કર્મચારીની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ સાહિલ સીરાજ દરબાર હોવાનું જણાવ્યું હતું તે સાથે તેણે ગોત્રી મેડિકલ કોલેજના ઓક્સિજન પ્લાન્ટમાં ઓપરેટર તરીકે નોકરી કરતો હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે અન્ય આરોપીની પણ કરી ધરપકડ
વડોદરા ક્રાઇમ બ્રાંચે સીરાજ દરબારને ઈન્જેક્શન ક્યાંથી લાવ્યો તે અંગે પૂછપરછ કરતા તેણે જણાવ્યું આ ઈન્જેક્શન ગોત્રી મેડિકલ કોલેજમાં સર્વન્ટ તરીકે ફરજ બજાવતા શૈલેષ ઉર્ફ રવિ કાલીદાસ પ્રજાપતિ પાસેથી 14 હજાર રૂપિયામાં લીધું હતું અને પોતાનું રૂપિયા 1000 કમિશન ચઢાવીને 15 હજાર રૂપિયામાં વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની રેમડેસીવીર ઇન્જેક્શન સહિત 20 હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. ગોત્રી સરકારી હોસ્પિટલમાં કોવિડ સેન્ટરમાં કોન્ટ્રાક્ટમાં સર્વન્ટ તરીકે નોકરી કરતી વર્ષાબહેન પ્રિતકભાઇ ડામોર પાસેથી આ કૌભાંડનો શૈલેષ ઉર્ફ રવિ પ્રજાપતિ લાવ્યો હોવાનું બહાર આવતા પોલીસે વર્ષા ડામોરની પણ ધરપકડ કરી હતી. અને સર્વન્ટ શૈલેષ ઉર્ફ રવિ પ્રજાપતિની પણ ધરપકડ કરી આ કૌભાંડની વધુ તપાસ દરમિયાન અન્ય ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે.