વડોદરાઃ શહેરના આજવા રોડના કાન્હા લેન્ડમાર્કના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, અમે મકાન લીધું ત્યારે બિલ્ડરે 24 કલાક પાણીની સુવિધા હોવાનું જણાવ્યું હતું. બિલ્ડરને મેઇન્ટેનન્સ પણ ચૂકવી દેવામાં આવ્યું છે. પરંતુ બિલ્ડરે 24 કલાક પાણી ન આપીને છેતરપિંડી કરી છે. 3 માસ પહેલાં વુડા દ્વારા પાણીની લાઇન નાખવામાં આવી છે. પરંતુ, વુડા દ્વારા પણ પાણી આપવામાં આવતું નથી.
કોર્પોરેશન દ્વારા પણ પાણી આપવા માટે હાથ અદ્ધર કરી દીધા છે. અમો છેલ્લા 3 માસથી પાણી વિના વલખા મારી રહ્યા છે અને તેમાંય છેલ્લા 6 દિવસથી તો એકપણ ટીપું પાણી ન મળતા મુશ્કેલીમાં મૂકાઇ ગયા છીએ. રહીશોએ રોષ સાથે જણાવ્યું હતું કે, પાણીનો પ્રશ્ન હલ કરવા માટે બિલ્ડરને ઘણી વખત રજૂઆત કરી છે. સોસાયટીમાં બોર છે પરંતુ, તેમાં પણ પુરતા પ્રેશરથી પાણી આવતું નથી. ટેન્કરો મંગાવીને પણ થાકી ગયા છે. તંત્રને પણ અમે પાણીનો પ્રશ્ન હલ કરવા માટે રજૂઆત કરી છે. જો અમારો પાણીનો પ્રશ્ન વહેલી તકે હલ કરવામાં નહીં આવે તો ન છૂટકે અમારે ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડશે. છેલ્લા 6 દિવસથી પાણીના એકએક ટીપાં માટે અમે વલખાં મારી રહ્યા છે. આજે ન છૂટકે અમારે પાણી માટે ઘરની બહાર નીકળવાનો વખત આવ્યો છે.