વડોદરાઃ જિલ્લામાં આઈ.ટી.આઈ. સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટરની ભરતી પ્રક્રિયાનું પરિણામ જાહેર કરવા માટે પરીક્ષાર્થીઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર સુપ્રત કર્યું હતું. ગુજરાતભરની આઇ.ટી.આઈ.માં 50 જેટલા વિવિધ ટ્રેડમાં 236 ટકા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી કરવા માટે ગત વર્ષે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેખિત તેમજ પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે 6 મહિના થઈ ગયા હોવા છતાં હજુ પરિણામ આપવામાં આવ્યું નથી તેમજ જેમના પરિણામ આવ્યાં છે તેમને એપોઇન્ટમેન્ટ આપવામાં આવી નથી.
રાજ્યનાં દરેક જિલ્લાઓમાં મંગળવારે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યા હતા. ત્યારે વડોદરામાં પણ જિલ્લા કલેક્ટરને પરીક્ષાર્થીઓએ તેમની મુશ્કેલી અંગે આવેદન પત્ર આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસની મહામારીને પગલે આવેદન આપવા આવેલા તમામ પરિક્ષાર્થીઓએ માસ્ક પહેરી, સામાજિક અંતર રાખીને કલેક્ટર કચેરી પર આવ્યાં હતા અને આવેદનપત્રમાં તેમની સમસ્યાઓ વર્ણવી હતી તેમજ રાજ્ય સરકાર સુધી તેમની રજૂઆત પહોંચાડવા માટે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.