વડોદરા: સમગ્ર વિશ્વ 1 ઓક્ટોબરે વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસની ઉજવણી કરે છે. હાલ, કોરોના કહેરને કારણે આ વર્ષે ઉજવણી કરવામાં આવી નથી. ત્યારે આજનાં દિવસે વડોદરા શહેર-જિલ્લાનાં વિવિધ સંગઠનોથી રચિત એજ કેર ફેડરેશન દ્વારા જિલ્લા કલેક્ટરને વરિષ્ઠ નાગરિકોને પડતી મુશ્કેલીઓ સંદર્ભે વડાપ્રધાન અને મુખ્યપ્રધાન સુધી પહોંચે એ રીતે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.
દેશભરમાં 10 કરોડ જેટલા વરિષ્ઠ નાગરિકો વસે છે. ત્યારે વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસે છેલ્લાં 21 વર્ષથી ગુજરાતમાં સિનિયર સીટીઝન માટે કાર્યરત સંસ્થા એજ કેર ફેડરેશનની વડોદરા શહેર-જીલ્લા શાખા દ્વારા સિનિયર સિટીઝનોના પડતર પ્રશ્નોને લઈ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
સિનિયર સિટીઝનો દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં રાજ્યનાં મુખ્યપ્રધાન સહિત વડાપ્રધાનને વરિષ્ઠ નાગરિકો માટે જરૂરી સુવિધા સહિત આવક માટે તેમજ તેમનાં વણ ઉકેલ્યા પ્રશ્નોનાં ઉકેલ માટે રજુઆત કરવામાં આવી હતી.
આ આવેદનપત્રમાં પોસ્ટ ઓફિસમાં ડિપોઝીટ પર 10 ટકા વ્યાજ, 70 વર્ષથી વધુ ઉંમર ધરાવતી પ્રધાન વ્યક્તિઓને સંપૂર્ણ ટેક્સ માફી, હોસ્પિટલમાં વરિષ્ઠ નાગરિકો માટે અલગ વ્યવસ્થા, રેલવે પ્રવાસમાં 50 ટકા રાહત, વરીષ્ઠો માટે રાષ્ટ્રીય નીતિમાં જરૂરી સુધારા કરવાનું જણાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત રાજ્યમાં ઓન વરીષ્ઠો માટે બસમાં 50 ટકા માફી, તેમજ 80 વર્ષથી વધુ ઉંમર ધરાવનારને પ્રવાસ ફ્રી તેમજ રાજ્યમાં વધુ વૃદ્ધાશ્રમ શરૂ કરવાની માગ કરવામાં આવી હતી.