વડોદરાઃ લોકડાઉનના ચોથા તબક્કામાં સરકાર દ્વારા ઘણી બધી છૂટછાટો આપવામાં આવી છે. જેમાં લગ્ન પ્રસંગોને પણ શરતોને આધીન મંજૂરી આપવામાં આવેલી હોવાથી વડોદરા શહેરમાં બુધવારે પ્રથમ લગ્ન સમારોહ યોજાયો હતો.
શહેરના આર.વી.દેસાઇ રોડ ખંડેરાવ મંદિરમાં રહેતા રવિન્દ્રભાઇ બ્રહ્મ ક્ષત્રિયના પુત્ર દિવ્યાંગ અને દાંડિયા બજાર જંબુબેટ ખાતે રહેતા સ્વ.જયંતિભાઇ ડોડીયાની પુત્રી પ્રિતીના ખંડેરાવ માર્કેટમાં બંને પરિવારના 20 મહેમાનોની ઉપસ્થિતીમાં ધામધૂમપૂર્વક લગ્ન યોજાયા હતા. પરિવારજનો દ્વારા 5 માસ પૂર્વે જ દિવ્યાંગ અને પ્રિતીના લગ્નની તારીખ 19-5-2020ના રોજ નક્કી કરી દેવામાં આવી હતી. લગ્નની તારીખ નક્કી થતાં બંને પરિવાર દ્વારા લગ્નની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ, વિશ્વવ્યાપી કોરોના વાઈરસની મહામારી શરૂ થતાં અને લોકડાઉનના કારણે પરિવારોજનોને લગ્ન પાર્ટી પ્લોટમાં કરવાના બદલે ખંડેરાવ મંદિરમાં ઘર આંગણે કરવાની ફરજ પડી હતી. ત્યારે બુધવારે સરકારની ગાઇડલાઇન મુજબ 20 મહેમાનોની હાજરીમાં દિવ્યાંગ અને પ્રિતીના લગ્ન યોજાયા હતા. નવદંપતી દિવ્યાંગ અને પ્રિતીએ જણાવ્યું હતું કે, વિશ્વવ્યાપી કોરોના વાઇરસની મહામારી વચ્ચે અમે પ્રભુતામાં પગલાં પાડ્યા છે. અમે સરકારની ગાઇડ લાઇન મુજબ નિયમોનું પાલન કરીને લગ્ન કર્યા છે. તેમજ તેમણે કહ્યું કે અમારી લોકોને અપીલ છે કે, આ મહામારીથી બચવા માટે સાવચેતી શ્રેષ્ઠ ઉપાય છે. મોબાઇલ ફોનનો ઉપયોગ કરનાર દરેક વ્યક્તિને એસ.એમ.એસ.શબ્દ ખબર છે. એસ.એમ.એસ.એટલે એસ ફોર સેનેટાઇઝ, એમ ફોર માસ્ક અને એસ ફોર સોશિયલ ડીસ્ટન. આ ત્રણે વસ્તુને પાળીશું તો કોરોના વાઈરસ આપણને સ્પર્શી શકશે નહીં.