- પાદરા સ્વામી ટાઉન હોલ ખાતે સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત લિફ્ટમાં લોકો ફસાયા
- 10 ની ક્ષમતા ધરાવતી લિફ્ટમાં 12 વ્યક્તિઓ બેસી જતા લિફ્ટ ઓવરલોડ થઈ
- ધારાસભ્ય સહિત અન્ય લોકોએ દોડી આવી ફસાયેલા લોકોને બહાર કાઢવા પ્રયાસ કર્યો
- સ્થાનિક લોકોએ લિફ્ટ તોડી ફસાયેલા લોકોને બહાર કાઢ્યા
વડોદરા: રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ (seva setu program) ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જિલ્લાના પાદરા (padra) તાલુકામાં અન્ન વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. પાદરાના પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ દરમિયાન હોલની લિફ્ટ (Lift) ખોટકાઈ જતા 8 થી વધુ લોકો લિફ્ટમાં ફસાઈ જતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. લિફ્ટની ક્ષમતા કરતા વધુ વ્યક્તિઓ લિફ્ટ (Lift) માં જતા મહિલાઓ સમેત 12 વ્યક્તિઓ ફસાઈ ગઈ હતી. લોકોની બુમરાણ મચતા અન્ન વિતરણમાં ઉપસ્થિત વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય (MLA) મધુ શ્રીવાસ્તવ સહિત લોકો દોડી આવ્યા હતા અને લિફ્ટમાં ફસાઈ ગયેલા લોકોને બહાર કાઢવા પ્રયાસો હાથધર્યા હતા. અંતે સ્થાનિકોના પ્રયાસો થકી લિફ્ટમાં ફસાયેલા વ્યક્તિઓને બહાર કાઢવામાં સફળતા સાંપડી હતી. લિફ્ટમાં ફસાયેલી વ્યક્તિઓ ભારે જહેમત બાદ બહાર નીકળતા રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં લાગેલી લિફ્ટ ધરાશાયી થતા 6 લોકોના મોત, 1 ઇજાગ્રસ્ત
લિફ્ટમાં ઈમરર્જન્સી નંબર અને સેફ્ટીની સુવિધાઓનો અભાવ હોવાના આક્ષેપ
પાદરા ખાતે આયોજિત કાર્યક્રમ અંતર્ગત લિફ્ટમાં ફસાયેલા ભાજપના કાર્યકરે તંત્ર સામે નારાજગી દર્શાવતા જણાવ્યું હતું કે, સેવા સેતુ કાર્યક્રમ હોવાથી અમે કાર્યકરો અને સંગઠનના હોદ્દેદારો લિફ્ટમાં ઉપર આવી રહ્યા હતા. લિફ્ટમાં 10 વ્યક્તિઓની ક્ષમતા હોવા છતાં પણ તેનાથી વધારે બેથી ત્રણ વ્યક્તિઓ એટલે કે 12 જેટલા લોકો લિફ્ટમાં બેસી ગયા હતા. જેથી લિફ્ટ એકાએક ઓવરલોડ થવાથી લોક થઈ ગઈ હતી. અંદર અમે ઈમર્જન્સી (Emergency) નો નંબર પણ શોધ્યો પરંતુ કોઈ લિફ્ટ કંપનીનો ઈમર્જન્સી (Emergency) નંબર ન હતો અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી. જેથી કાંચ તોડવો પડ્યો હતો. બધા અંદર બુમાબુમ કરવાથી ગભરાઇ ગયા હતા અને પરસેવે રેબઝેબ થઇ ગયા હતા. જે બાદ બહારથી દોડી આવેલા બીજા લોકોએ લિફ્ટનો દરવાજો તોડીને અમને બહાર કાઢ્યા હતા. આશરે 30 મિનિટથી વધારે સમય સુધી અમે લિફ્ટમાં ફસાયા હતા. અહીં કોઈ ટ્રેઈન સ્ટાફ ન હતો અને ઈમર્જન્સી (Emergency) નંબર કે એવી કોઈ સેફ્ટીની સુવિધા હતી નહીં માટે તે હોવું જરૂરી છે તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચો: લિફ્ટમાં અકસ્માત સર્જાય તો લિફ્ટ ઑનરની જવાબદારી રહેશેઃ રાજ્ય સરકારનો નવો નિયમ