વડોદરા: કોરોના મહામારીને લઈ આ વખતે નવરાત્રિ મહોત્સવમાં ગરબાને લઈ વડોદરા પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, તેની માહિતી પત્રકાર પરિષદના માધ્યમથી આપવામાં આવી હતી.
કોરોના કાળમાં નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓ ગરબે નહીં ઘૂમી શકે. રાજ્ય સરકારના આદેશ બાદ વડોદરા શહેર માટે આ મુદ્દે પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેની માહિતી આપતા જોઇન્ટ પોલીસ કમિશનર ચિરાગ કોરેડીયાએ જણાવ્યું હતું કે, જાહેર સ્થળ પર અથવા પાર્ટીપ્લોટમાં ગરબાના આયોજન નહીં કરી શકાય, ફક્ત પૂજન-અર્ચન કરી શકાશે. ભક્તોને પ્રસાદ પણ પેકેટમાં આપવાનો રહેશે. જાહેરમાં ફ્રી કે પાર્ટી પ્લોટમાં આયોજન મામલે પોલીસ મથકમાંથી પરમિશન લેવી પડશે.
જાહેરનામાં જણાવવામાં આવેલી બાબતો
- સોસાયટીમાં માતાજીનો ફોટો મૂકી પૂજા-અર્ચના કરી શકાશે
- જેની કોઈ પોલીસે પરવાનગી નહીં લેવી પડે, પરંતુ 200થી વધુ લોકો ભેગા નહીં થઈ શકે
- કોરોના સંક્રમણ માઈ દર્શનના બહાને મોડી રાત સુધી લોકો બહાર ફરે નહીં તે માટે રાત્રીના દસ વાગ્યા બાદ માતાજીના મંદિરમાં દર્શન બંધ કરવામાં આવશે
- દશેરાના દિવસે યોજાતો રાવણ દહનનો કાર્યક્રમ પણ આ વર્ષે નહીં યોજાય