વડોદરામાં અલગ-અલગ વિસ્તારમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. ગત પંદર દિવસમાં ડેન્ગ્યુએ શહેરને પોતાના પંજામાં લીધુ છે. આરોગ્ય અધીકારીના જણાવ્યા મુજબ, શહેરના પશ્ચિમ વિસ્તારમાં ડેન્ગ્યુના કેસ જોવા મળે છે. આ વર્ષે જાન્યુઆરી મહિનાથી ઓક્ટોબર મહિના સુધી 441 પૉઝિટિવ કેસ બન્યા છે. જ્યારે ગત 15 દિવસમાં 200 જેટલા પૉઝિટિવ કેસ સામે આવ્યા છે. આરોગ્ય વિભાગ પણ આ અંગે અલગ અલગ પ્રકારે કામગીરી કરી રહ્યું છે.
વડોદરા કોર્પોરેશન શહેરમાં ફોગીંગ, દવાનો છંટકાવ અને લોહીની તપાસ કરી રહ્યું છે. શહેરના વિભિન્ન વિસ્તારોમાં રોગચાળાને લગતા હોર્ડિંગ્સ અને બોર્ડ પણ લગાવાયા છે. વર્ષ 2018ના ઓક્ટોબર મહિનામાં ડેન્ગ્યુના 267 પૉઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેની સરખામણીએ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનાના પંદર દિવસ દરમિયાન જ ડેન્ગ્યુના 200 કેસ પૉઝિટિવ આવ્યા છે. આરોગ્ય અધિકારી પોતે પણ કહી રહ્યા છે કે, ડિસેમ્બર મહિના સુધી શહેરમાં ડેન્ગ્યુના કેસ જોવા મળી શકે છે.
શહેર અને જિલ્લામાં ડેંગ્યુને કારણે એક મહિલાનું મોત પણ નીપજ્યું હતું. ઓગસ્ટ મહિનામાં 47 અને સપ્ટેમ્બર મહિનામાં 129 પોઝીટીવ દર્દીઓ નોંધાયા હતા. વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં 441 દર્દીઓ નોંધાયા હતા. શહેરમાં ડેંન્ગ્યુ ઉપરાંત સીઝનલ તાવ, ઝાડા, ઉલટી અને કોલેરાના પણ કેસો સામે આવી રહ્યા છે. જેને લઇને આરોગ્ય વિભાગ સફાળુ જાગ્યું છે.