- વાઘોડિયાની ધીરજ હોસ્પિટલ વિવાદમાં સપડાઈ
- દર્દીના મોત બાદ અન્ય મૃતક દર્દીનો ફોટો પરિવારજનોને મોકલી આપતા વિવાદ
- પરિવારજનોએ આ અંગે DSP કચેરી ખાતે રજૂઆત કરી
વડોદરાઃ જિલ્લાના પાદરા તાલુકાના રણું ગામે રહેતા વૃદ્ધ બીમાર હોવાથી ગત તારીખ 29ના રોજ પ્રથમ પાદરા સ્થાનિક સરકારી હોસ્પિટલમાં જે બાદ વડોદરાની ગોત્રી અને ત્યારબાદ વાઘોડિયાની ધીરજ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં તેઓનું મોત નીપજ્યું હોવાનું હોસ્પિટલના તબીબોએ જણાવી વોટ્સએપ પર મૃતકનો ફોટો મોકલી આપ્યો હતો. જોકે, અંતિમક્રિયા બાદ આ વોટ્સએપ પર મોકલેલો ફોટો કોઈ અન્ય વૃદ્ધનો હોઈ પરિવારજનોને શંકા ગઈ હતી. જેથી તેઓએ ધીરજ હોસ્પિટલમાં પોતાના પિતા અંગે સાચી હકીકત જાણવા પ્રયાસ કર્યો હતો. જોકે, હોસ્પિટલ તંત્ર તરફથી કોઈ સંતોષ કારક જવાબ નહીં મળતા પરિવારજનોએ વાઘોડિયા પોલીસ મથકે અરજી આપ્યા બાદ મંગળવારે ગ્રામ્ય DSP વડોદરાની કચેરી ખાતે ફરિયાદ આપી આ અંગે યોગ્ય તપાસ કરવા માંગણી કરી હતી.
કોવિડ ટેસ્ટ કરાવતા નેગેટિવ આવ્યો હતો
પાદરા તાલુકાના રણું ગામે રહેતા વૃદ્ધ હીરાભાઈ પરમાર બીમાર હોવાથી ગત તારીખ 29 એપ્રિલના રોજ પાદરા સરકારી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં એક કલાકની સારવાર બાદ વડોદરાની સરકારી ગોત્રી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે તેમનો કોવિડ ટેસ્ટ કરાવતા નેગેટિવ આવ્યો હતો. જોકે, તેજ દિવસે સાંજે 7 કલાકે વૃદ્ધ હીરાભાઈ પરમારને વાઘોડિયાની ધીરજ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યાં હતા. હોસ્પિટલના ડોક્ટરોએ તેમને ઓક્સિજન ઉપર રાખ્યાં હોવાનું જણાવ્યું હતું.
હોસ્પિટલમાંથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી
આ અંગે દર્દીના પૌત્ર પ્રજ્ઞેશકુમારે જણાવ્યું હતું કે, ધીરજ હોસ્પિટલ ગયા ત્યાંથી ડેડબોડી રીફર કરી ત્યારે અમને થોડી શંકા ગઈ કે મારા દાદા ખુબજ પાતળા છે અને જે ડેડબોડી પેક કરીને આપી તે ખૂબ જ વજનદાર હતી. ડેડબોડી પેક હોવાથી તેમનો ચહેરો જોઈ શક્યા નથી. અંતિમવિધિ પૂર્ણ કર્યા પછી ઘરે આવ્યાં ત્યારે વોટ્સએપ પર ફોટો આવ્યો હતો. જે બીજા કોઈનો હતો. મારા દાદાને મોઢામાં દાંત ન હતા તેમજ ગળામાં કોઈ કંઠી પહેરતા ન હતા અને જે ફોટો અમને મોકલ્યો છે. તેમાં કંઠી પહેરેલી છે અને મોઢામાં દાંત છે. જેથી અમને શંકા છે કે આ મારા દાદા નથી અને મારા દાદાની અંતિમવિધિ થઈ નથી. અમે હોસ્પિટલમાં પણ રજૂઆત કરી પણ અમને કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
આ પણ વાંચોઃ ધીરજ હોસ્પિટલમાંથી દર્દીને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવા મુદ્દે હોબાળો, મહિલા કર્મચારી લોહીલુહાણ
DSPને રજૂઆત કરાઈ
દર્દીના પૌત્રએ વધુમાં જણાવ્યું કે, હોસ્પિટલમાંથી સંતોષકારક જવાબ ન મળતા અમે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. મારા દાદા ક્યાં છે, તે બાબતે અમે DSPને રજૂઆત કરી છે. મારા દાદા હજી જીવે છે અમને એવું લાગે છે.
મારા પિતાનું હજી મૃત્યું થયુ નથીઃ નગીનભાઈ
જ્યારે દર્દીના પુત્ર નગીનભાઈએ જણાવ્યું હતું કે, મારા પિતાને કોરોના બીમારી લાગતી હોવાથી ગોત્રી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. 29 તારીખે અને 30 તારીખે તેમનું મૃત્યુ થયું હતું. જેથી તેઓને નજીકના સ્મશાનમાં લઇ ગયા હતા. તેઓ સાથે મારો દીકરો અને ભત્રીજો ગયા હતા અને અંતિમ વિધિ કરી હતી. ત્રીજા દિવસે વોટ્સએપ પર ફોટો જોયો ત્યારે ખબર પડી કે આ મારા પિતાનો ફોટો ન હતો. મારા પિતાનું હજી મૃત્યું થયુ નથી. એ ક્યાં છે એ પણ ખબર નથી. ડૉકટરને પૂછીએ છે તો કોઈ જવાબ જ નથી આપતા માટે DSPને રજૂઆત કરવા માટે આવ્યાં હતા.