આ મહાન સંતની જન્મભૂમિ જગતભરમાં પરમ આસ્થાનું કેન્દ્ર બની છે. જેને અનુલક્ષીને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ રાજ્યના પ્રવાસન વિભાગે અંદાજે 10 કરોડના ખર્ચે પુણ્ય ભૂમિ ચાણસદના બહુમુખી દર્શનીય વિકાસનું આયોજન કર્યું છે. આ કાર્યમાં બાપ્સના વર્તમાન વડા પરમ પૂજ્ય ગુરુહરી મહંત સ્વામી મહારાજ અને સંત ગણનો પરામર્શ કરવામાં આવ્યો છે.
તેમાં ચાણસદના વિશાળ તળાવની મધ્યમાં મહારાજની દિવ્ય પ્રતિમા સ્થાપિત કરાશે અને કાંઠા સાથે સાંકળતા પુલો બનાવી દર્શનની સરળતા કરવામાં આવશે. તદ્ઉપરાંત પૂજ્ય સ્વામીજીનો જ્યાં જન્મ થયો થે તે ઘર સ્વામિનારાયણ મંદિર, હનુમાનજીનું મંદિર અને ચાણસદના તળાવને સાંકળી લઈ ગ્રીનલેન્ડ સ્કેપિંગ સહિત નયનરમ્ય વિકાસનું આયોજન અહીં સાકાર થવાનું છે. મુખ્યપ્રધાને ભૂમિપૂજન દ્વારા આજે પ્રાગટ્ય ભૂમિના વિકાસની વ્યાપક કામગીરી શરૂ કરાવી છે. દર વર્ષે મોટી સંખ્યામાં બિન નિવાસી ભારતીયો સહિત હજારો યાત્રાળુઓ આ પ્રાગટ્ય તીર્થના દર્શને આવે છે. જેને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓની સુવિધાઓના વિકાસનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમ પ્રાસાદિક તીર્થ એવા આ પ્રાગટ્ય તીર્થની સાથે ચાણસદ હવે વિકાસ તીર્થ બનશે.