- વધુ પૈસા પડાવ્યાની ફરિયાદ આવશે તો હોસ્પિટલની માન્યતા કરાશે રદ્દ
- કોરોના કાળમાં લોકોને લૂંટતા ખાનગી હોસ્પિટલના સંચાલકોને ચેતવણી
- OSD વિનોદ રાવે ખાનગી હોસ્પિટલના સંચાલકોને આપી ચેતવણી
વડોદરા: શહેરમાં વધતા જતા કોરોનાના કેસના કારણે ખાસ ફરજ પરના અધિકારી ડૉ. વિનોદ રાવની સૂચનાથી આજથી ઘરે ઘરે જઈ પોઝિટિવ દર્દીઓને તપાસવાના સંજીવની અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડૉ. વિનોદ રાવે જણાવ્યું હતું કે પાલિકાની 34 અર્બન હેલ્થ સેન્ટરોની 3-3 ટીમ કોરોનાના દર્દીઓના ઘરે જઈને તપાસણી હાથ ધરશે.
કોઈ દર્દી શંકાસ્પદ કોવિડ પોઝિટિવ જણાશે તો તેમને હોમક્વોરોન્ટાઈન કરીને આગળની કાર્યવાહી હાથ ધરાશે
હાલના દિવસોમાં જોવા મળ્યું છે કે, કોરોનાના દર્દીના મોટાભાગના કુટુંબના તમામ સભ્યો પણ પોઝિટિવ થઈ જતા હોય છે. આ પરિસ્થિતીમાં ભવિષ્યમાં એકસાથે 4થી 5 હજાર પોઝિટિવ કેસ આવી શકે છે. ડૉ. વિનોદ રાવે એમ જણાવ્યું કે, જો કોઈ દર્દી શંકાસ્પદ કોવિડ પોઝિટિવ જણાશે તો તેમને હોમક્વોરોન્ટાઈન કરીને આગળની કાર્યવાહી હાથ ધરાશે. હાલ ધનવંતરી રથ અને ડોર-ટુ-ડોર સર્વેલન્સની કામગીરી ચાલતી હોવાથી સંજીવની અભિયાનમાં માત્ર કોરોના પોઝિટિવ દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: સુરત શહેર અને જિલ્લામાં વધી રહેલા કોરોના કેસોને કારણે તંત્ર ચિંતામાં
હોસ્પિટલોમાં બેડ ખાલી નથી તે વાત પાયાવિહોણી
ડૉ. વિનોદ રાવે એમ પણ જણાવ્યું કે, હાલ સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા કુદકેને ભૂસકે વધી રહી છે અને બેડ ખાલી નથી તે વાત પાયાવિહોણી છે. સરકારી હોસ્પિટલોમાં હાલ 50 ટકા જેટલા બેડ ખાલી છે. ગોત્રી હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે કુલ 575 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં આજે 300થી વધુ બેડ ભરેલા છે. લગભગ 50 ટકા જેટલા બેડ ખાલી છે. ગોત્રી હોસ્પિટલના દર્દીઓ કેટલાક દર્દીઓને આજથી ગોત્રી ESI હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે. તેવી જ રીતે SSG હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 200 જેટલા બેડ ભરાયા છે. જ્યારે 300 જેટલા ખાલી છે. બીજી તરફ આજથી સયાજી હોસ્પિટલમાં આવતા દર્દીઓને કારેલીબાગ ચેપીરોગની હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવશે.
ડૉ. વિનોદ રાવે આવી ખાનગી હોસ્પિટલોને સ્પષ્ટ ચેતવણી આપી
કોરોના દર્દીને દાખલ કરતી વેળાએ કેટલીક ખાનગી હોસ્પિટલો પહેલા રૂપિયા 2,00,000 ભરવાનો આગ્રહ કરતી હોય છે. જે મામલે ડૉ. વિનોદ રાવે આવી ખાનગી હોસ્પિટલોને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું કે, આવી ફરિયાદમાં તપાસ થશે અને જો તે સાબિત થશે તો હોસ્પિટલના સત્તાવાળાઓ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવશે. આ માટે પાલિકાના એક વિભાગને ફરિયાદ કરી શકાય તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતા તમામ પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત