- રીચાર્ડને વડોદરા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો
- 2 એપ્રિલ 2011ના રોજ રીચાર્ડને સારવાર અર્થે SSG હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો
- વડોદરાથી નાસી છુટ્યા બાદ રીચાર્ડ કેનેડા થઇને હોંગકોંગ પહોંચી ગયો
વડોદરા: નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા વર્ષ 2008માં માણેજા વિસ્તારમાં રૂપિયા 12 કરોડના મેથાફેટા માઇન સાથે રીચાર્ડ અને તેના બે સાગરીતોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ રીચાર્ડને વડોદરાની સેન્ટ્રલ જેલમાં જ્યુડીશીયલ કસ્ટડી અંતર્ગત લાવવામાં આવ્યો હતો. વડોદરામાં SSG હોસ્પિટલમાં સારવાર માટે લઇ જતી વેળાએ વર્ષ 2011માં રીચાર્ડ ચકમો આપીને ફરાર થયો હતો. ત્યારબાદ તેની સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. વડોદરાથી ફરાર થયેલો રીચાર્ડ પ્રથમ નેપાળ બાદમાં કેનેડા થઇને હોંગકોંગ ગયો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વિદેશ મંત્રાલય સાથે સંકલન સાધીને રીચાર્ડને હોંગકોંગથી વડોદરા પરત લાવવામાં આવ્યો હતો.
ગુનાશેખરણ પિલ્લાઇ અને રવિંદ્ર પરપ્યાનાઓને આજીવન કેદની સજા
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓ દ્વારા વડોદરામાં 22 નવેમ્બર 2008ના રોજ વડોદરાના માણેજા પાસે અંદાજીત રૂપિયા 12 કરોડના મેથાફેટામાઇન ડ્રગ સાથે જીગ ફેન્ગ ઉર્ફે રીચાર્ડ, ગુનાશેખરણ પિલ્લાઇ અને રવિંદ્ર પરપ્યાનાઓને પકડી પાડ્યા હતા. જેમાં શેખરણ પિલ્લાઇ અને રવિન્દ્ર પરપ્યાનાઓ સામે કેસ ચાલી જતા તેઓને આજીવન કેદની સજા કરવામાં આવી હતી. હાલ તેઓ અમદાવાદ ખાતે આવેલી સાબરમતી જેલમાં સજા કાપી રહ્યા છે.
આરોપીઓના સંપર્કમાં આવેલા રીચાર્ડે નાસી છુટવાનું કાવતરૂ રચ્યું
આરોપી રીચાર્ડને વડોદરા સેન્ટ્રલ જેલમાં જ્યુડીશીયલ કસ્ટડી અંતર્ગત રાખવામાં આવ્યો હતો. જેલમાં અલગ-અલગ આરોપીઓના સંપર્કમાં આવેલા રીચાર્ડે નાસી છુટવાનું કાવતરૂ રચ્યું હતું. 2 એપ્રિલ 2011ના રોજ રીચાર્ડને સારવાર અર્થે SSG હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. દરમિયાન પોલીસને ચકમો આપીને રીચાર્ડ નાસી ગયો હતો. જે બાબતે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: રાજકોટના ડ્રગ્સ કેસમાં એક વર્ષથી ફરાર શખ્સને ઝડપી લેતી જામનગર SOG
નાસી છુટ્યા બાદ રીચાર્ડ તેના સાગરીતોની મદદથી નેપાળ જતો રહ્યો
નાસી છુટ્યા બાદ રીચાર્ડ તેના સાગરીતોની મદદથી નેપાળ જતો રહ્યો હતો. નેપાળથી રીચાર્ડ કેનેડા જતો રહ્યો હતો. કેનેડાથી રીચાર્ડ બોગસ પાસપોર્ટ બનાવીને હોંગકોંગ જતો રહ્યો હતો. ત્યાં જઇને તે મની લોન્ડરીંગના ગુનામાં પકડાયો હતો. સ્થાનિક કોર્ટે તેને 4 વર્ષ અને 4 મહિનાની સજા ફટકારી હતી. આ અંગે જાણ થતા જ રીચાર્ડને ભારત લાવવા માટે 13 માર્ચ 2012ના રોજ વિદેશ મંત્રાલય સાથે સંકલન સાધીને તેની પ્રત્યારોપણની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેના આધારે આરોપીની સજા પુર્ણ થતા તેને ભારતને સોંપી દેવાનો હુકમ કર્યો હતો. જેની સામે રીચાર્ડે હોંગકોંગ SARમાં અપીલ ફાઇલ કરી હતી. 7 મે 2021ના રોજ અપીલ ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ હોંગકોંગ કોન્સ્યુલેટ જનરલ દ્વારા ભારતીય અધિકારીને રીચાર્ડનો કબજો સોંપવા માટે એસ્કોર્ટ તરીકે બે અધિકારીઓનો મોકલવા માટે જાણ કરવામાં આવી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચના બે અધિકારીઓ હોંગકોંગ પહોંચ્યા હતા. આખરે 10 વર્ષ બાદ આરોપી પોલીસની ગીરફ્તમાં આવ્યો હતો.
આ પણ વાંચો: સુરત MD ડ્રગ્સ કેસનું મુંબઈ કનેક્શન, ક્રાઇમ બ્રાન્ચે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી