વડોદરાઃ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં શેખ બાબુની હત્યાના કેસે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. આ ગુનાની તપાસ કરી રહેલી CID ક્રાઇમની ટીમે પોલીસ ઇન્સ્પેક્ટર, PSI સહિત 6 આરોપીઓને 2 દિવસ અગાઉ કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ત્યારબાદ CIDની ટીમે તત્કાલીન PI, PSI અને 4 LRD જવાનના સાથે રાખીને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ લવાયેલા આરોપીઓ પાસે મૃતક શેખબાબુને જે રૂમમાં રાખ્યો અને ટોર્ચર કર્યું તે અંગે રિહર્સલ કરાવ્યું હતું. તેમજ શેખબાબુનું મોત થતાં તેના મૃતદેહને સગેવગે કરવા માટેના ષડયંત્ર અંગે પણ સઘન પુછપરછ હાથ ધરાઈ હતી. આ સાથે આરોપીઓ મૃતદેહને સગેવગે કરવા માટેનો સામાન લેવા ક્યાં ગયા હતા તેમના નિવાસસ્થાનથી માંડીને મૃતદેહ કઇ તરફ લઇ ગયા તે અંગે પણ તપાસ હાથ ધરી છે.