- સ્વ. રમણભાઇ બારીયાના પરિવારને રૂપિયા 50 લાખની સહાય કરાઇ
- જિલ્લા કલેક્ટરને મળી પરિવારજનોએ આભાર કર્યો વ્યક્ત
- 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા આપતા હતા રમણભાઇ
વડોદરા: છેલ્લા 13 વર્ષથી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવામાં પાઇલોટ તરીકે ફરજ બજાવી સ્વ. રમણભાઇ બારિયાએ અનેક લોકોના જીવ બચાવ્યા હતા. કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના કપરા સમયમાં પણ અનેક લોકોને સેવા આપતા આપતા સ્વ. રમણભાઇ બારીયા પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. તેમને સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ, વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમનું 12 મેના રોજ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
GVK EMRI સંસ્થા દ્વારા અરજી મોકલવામાં આવી હતી
સ્વ. રમણભાઇ બારીયાનું કોરોના મહામારી દરમિયાન કોરોનાથી મૃત્યુ થતાં સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ તેમના પરિવારને રૂપિયા 50 લાખની સહાય મળે એ માટે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ GVK EMRI સંસ્થા દ્વારા અરજી મોકલી આપવામાં આવી હતી. અધિક નિયામક, તબીબી સેવાઓ, આરોગ્ય વિભાગ અને કલેક્ટરની કચેરી છોટાઉદેપુર સાથે જરૂરી સંકલન કરતા નિયત કાર્યવાહી પૂર્ણ કરતા પરિવારજનોને સમયસર સહાય મળે તે માટેની કાર્યવાહી કરાઇ હતી. જ્યારે તેમના પરિવારના બેંક ખાતામાં રૂપિયા 50 લાખની સહાયની રકમ ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર થકી જમા કરવામાં આવી હતા.
સહાય મળતા પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો
કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામેલા સ્વ. રમણભાઇ બારીયાના પરિવારજનોને રૂપિયા 50 લાખની સહાય મળતા પરિવારજનોએ પુરતો સહયોગ કરવા બદલ GVK EMRI ઇમરજન્સી સેવા સંસ્થા અને જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળી આભાર વ્યક્ત કર્યો હતો.