- પુષ્પક ગ્રીન્સના રહીશોએ વુડા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન
- અન્ય પ્લોટમાં બીજા 70 ફ્લેટ બનાવી વેચાણ
- દસ્તાવેજો આપવા વુડા પાસે માંગ
વડોદરા : ઉંડેરા ગામ ખાતે આવેલા પુષ્પક ગ્રીન ટેર્નામેન્ટનું નિર્માણ મારુતિ એન્ટરપ્રાઇઝે કર્યા બાદ 90 પ્લોટનું વેચાણ કરવામાં આવ્યું હતું. વેચાણ થયા બાદ 90 નંબરનો પ્લોટ વેસ્ટર્ન એન્ટરપ્રાઇઝને આપી ત્યાં પુષ્પક હાઈટ્સ નામની 70 ફ્લેટની સ્કીમ બનાવી તેનું વેચાણ કર્યું હતું. પુષ્પક હાઇટ્સના રહીશોને પુષ્પક ગ્રીન્સના કોમન પ્લોટ અને સ્વિમિંગ પૂલ સહિતની સુવિધાઓનો ઉપયોગ કરવાનું જણાવતાં પુષ્પક ગ્રીન્સના રહીશોએ વિરોધ કર્યો હતો અને રેરા ખાતે મામલો પહોંચ્યો હતો.
પુષ્પક ગ્રીનના રહીશોનો વુડા ખાતે વિરોધ
રેરાના કેસમાં પુષ્પક ગ્રીન્સના રહીશોને જરૂરી દસ્તાવેજોની જરૂરિયાત હોવાથી અનેકવાર વુડા પાસે માંગ કરી હતી પરંતુ, દસ્તાવેજ આપવામાં વુડાના સત્તાધીશો આનાકાની કરતા હતા અને અંતે મુખ્યમંત્રી ડેસ્કબોર્ડ પર ફરિયાદ કરાઇ હતી. ફરિયાદ બાદ અરજદારની અરજીનો નિકાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ હજુ જરૂરી દસ્તાવેજ ન મળતા આજે રહીશો વુડા કચેરી ખાતે પહોંચી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને ત્યારબાદ વુડા સચિવ એક્ઝિક્યુટિવ ઓથોરિટી અશોક પટેલને આવેદનપત્ર આપી જરૂરી દસ્તાવેજો આપવા રજૂઆત કરી હતી. આ સાથે જ આક્ષેપ કર્યો હતો કે અરજદારને દસ્તાવેજો નથી આપવામાં આવતા પરંતુ સામે પક્ષે દસ્તાવેજો આપી દેવામાં આવ્યા છે.