- મોડી રાત્રે SSG હોસ્પિટલમાં વિજ પુરવઠો ખોરવાયો
- ન્યુરો સર્જીકલ વોર્ડમાં ત્રીજા માળે 4 કલાક વીજ પુરવઠો રહ્યો બંધ
- ઉનાળામાં વોર્ડના પંખા બંધ રહેતા દર્દીઓને ગરમીમાં રહેવાનો વારો આવ્યો
વડોદરાઃ મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોના દર્દીઓ વધતા હવે ન્યુરો સર્જિકલ વોર્ડમાં કોવિડના બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યારે ગુરુવારે સાંજે ન્યુરો સર્જિકલ વોર્ડના ત્રીજા માળે C 4 ની એક વીંગનો વીજ પુરવઠો બંધ કરાયો હતો.
વીજ કેબલની ફેર બદલીની કામગીરી હોવાથી વિજ પુરવઠો ખોરવાયો
વીજ કેબલની ફેર બદલીની કામગીરી હોવાથી વીજ પુરવઠો 1 કલાક બંધ રાખવાનો હતો. જોકે, આ કામગીરીમાં 4 કલાકનો સમય લાગતા વિજ પુરવઠો 4 કલાક સુધી બંધ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ વડોદરાની સયાજી હોસ્પિટલ હાઉસફૂલ, વધુ બેડની કરાઇ વ્યવસ્થા
50થી વધુ દર્દીને પરેશાની ભોગવવી પડી
સયાજી હોસ્પિટલમાં વિજ પુરવઠો બંધ થતા સર્જીકલ વોર્ડમાં દાખલ 50થી વધુ દર્દીને પરેશાની ભોગવવી પડી હતી. ઉનાળામાં વોર્ડના પંખા બંધ રહેતા દર્દીઓને ગરમીમાં રહેવાનો વારો આવ્યો હતો.
વીજ પુરવઠો બંધ રહેશે તે અંગે દર્દીઓને પહેલા જ કરાઈ હતી જાણ
આ અંગે ફરજ પરના અધિકારી OSD ડૉક્ટર વિનોદ રાવે જણાવ્યું હતું કે, હાલ કેબલની ફેરબદલીની કામગીરી ચાલી રહી હતી. 1 કલાક સુધી વીજ પુરવઠો બંધ રાખવાનો હતો. પરંતુ કામ વધતા ત્રણ કલાક ઉપરાંતનો સમય થયો હતો. આ કામગીરીથી દર્દીને કોઈ પણ પ્રકારની પરેશાની થઈ નથી. વીજ પુરવઠો બંધ રહેશે તે અંગે દર્દીઓને પહેલા જ જાણ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ કોરોના વિસ્ફોટઃ વડોદરામાં 391 કેસ નોંધાયા અને 1 દર્દીનું મોત