વડોદરા: વડોદરા પાદરા હાઇવે પર પડેલા ખાડા લોકો માટે મુશ્કેલી સાબિત થયા છે. આ હાઇવે પરથી આજે એક પરિવાર પોતાની કાર લઇને પસાર થતો હતો, તે સમય દરમિયાન કાર ખાડામાં ખાબકતા પોતાના માસૂમ એક માસ બાળક સાથે અડધો કલાક સુધી મુશ્કેલીમાં મુકાયો હતો. સ્થાનિક લોકોએ મદદ કરતા કાર ખાડા માંથી બહાર કાઢવામાં આવી હતી.
પાદરા વડોદરા મુખ્ય હાઇવે નવીનિકરણ થયા તેને 10 જ મહિના જેટલો સમય થયો છે. જો કે, કરોડોના ખર્ચે બનેલા હાઈવેમાં 10 જ મહિના જેટલા સમયમાં ખાડા પડી ગયા છે. જેના કારણે હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આ હાઇવે પરથી આજે એક પરિવાર પોતાની કાર લઇને પસાર થતો હતો, તે સમય દરમિયાન કાર ખાડામાં ખાબકતા પોતાના એક માસના બાળક સાથે અડધો કલાક સુધી મુશ્કેલીમાં મુકાયો હતો. જો કે, સ્થાનિક લોકોએ મદદ કરતાં કારને બહાર કાઢવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ હાઇવેને બનવામાં હજુ 10 મહિના જેટલો જ સમય થયો છે, ત્યાં તો આ હાઈવે પર ભ્રષ્ટાચારની પોલ ખૂલી ગઈ છે. વિકાસની વાતો કરતી સરકાર સામે કોન્ટ્રાક્ટર સાથે મીલી જૂલીની નીતિથી સ્થાનિક લોકોએ ભારે આક્રોશ ઠાલવ્યો હતો. વાહન ચાલકોએ મસ મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યા છે, ત્યારે કેટલાક સામાજિક કાર્યકરોએ આ બાબતે યોગ્ય તપાસ કરવાની પણ માંગ પણ કરી છે. પાદરાના સામાજિક કાર્યકર અને યુવા નેતા આશિષ પટેલે આક્ષેપ કર્યો છે કે, આ રોડને હજુ 10 માસ જ પૂર્ણ થતાની સાથે જ મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું છે અને તેની યોગ્ય તપાસ થવી જોઈએ.
વિકાસના કામો કરવાને બદલે ભ્રષ્ટાચારના કામ કરતાં કોન્ટ્રાક્ટર સામે મોટી કાર્યવાહી થશે કે પછી આ વાતને સરકાર દબાવી દેશે તે પણ એક મોટો સવાલ છે. ઉલ્લેખનીય છે કે, આ જાહેર માર્ગની યોગ્ય નિરીક્ષણ બાદ રકમની ચૂકવણી થઈ હોત તો કદાચ આ પ્રકારની ઘટના સામે ન આવી હોત.