કોરોના વાઈરસની મહામારીમાં પરપ્રાંતીયોની હાલત કફોડી બની ગઇ છે. વડોદરા શહેરના વાડી વિસ્તારમાં 8 જેટલા પરપ્રાંતીયો ફસાઇ ગયા હતા. વતન જવા માટે તેઓ નર્મદા ભવન રેલવે ટિકિટ કઢાવવા માટે ગયા હતા, પરંતુ નર્મદા ભવનમાં તેઓને એક અજાણી વ્યક્તિ મળી ગઇ હતી અને તેઓને ટિકિટ કાઢી આપવા માટે જણાવ્યું હતું.
અજાણી વ્યક્તિએ પ્રતિ ટિકિટ લેખે રૂપિયા 710 મળીને કુલ રૂપિયા 5,600 લીધા હતા અને તમામને 19 મેના રોજ તમારી ટ્રેન છે. સવારે ટિકિટ લેવા માટે આવી જજો. તેમ જણાવી રવાના કર્યાં હતા. પરપ્રાંતીયો 19 મે ના રોજ સવારે નર્મદા ભવન પહોંચી ગયા હતા અને અજાણી વ્યક્તિએ આપેલા ફોન નંબર ઉપર ફોન કર્યો હતો, પરંતુ ફોન સતત બંધ બતાવતા પરપ્રાંતીયો નિરાશ થઇ ગયા હતા. તમામ 8 પરપ્રાંતીયો સીધા વાડી પોલીસ મથકમાં આવી પહોંચ્યા હતા અને એ.સી.પી. એસ.જી. પાટીલને મળ્યા હતા અને તેઓએ પોતાની સાથે બનેલી ઘટના અંગે રજૂઆત કરી હતી.
પોલીસ અધિકારીએ પરપ્રાંતીયોને અજાણી વ્યક્તિએ આપેલા ફોન નંબર મેળવ્યો હતો. સ્ટાફને તપાસ કરવા આદેશ કર્યો હતો. ગણતરીના કલાકોમાં વાડી પોલીસની ટીમ પરપ્રાંતિયો સાથે છેતરપિંડી કરનારની અટકાયત કરીને વાડી પોલીસ મથકમાં લઇ આવી હતી. વાડી પોલીસ મથકમાં લવાયા બાદ તેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ વિજય પરમાર અને પોતે પશ્ચિમ વિસ્તારના મામલતદારની કચેરીમાં નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું.
આ સાથે તેણે પરપ્રાંતીયો પાસેથી ટિકિટ અપાવવાના નામે રૂપિયા 5,600 લીધા હોવાની કબુલાત કરી હતી. દરમિયાન એ.સી.પી.એ પરપ્રાંતિયોને આરોપી વિજય પરમાર સામે ફરિયાદ કરવા જણાવ્યું હતું, પરંતુ પરપ્રાંતીયોએ પોલીસ અધિકારીને જણાવ્યું કે, અમને અમારા પૈસા પરત અપાવી દો અને અમને અમારા વતન મોકલવાની વ્યવસ્થા કરી આપો. અમારે ફરિયાદ કરવી નથી.
પોલીસ અધિકારીએ વતન જવા માટે ટળવળી રહેલી 8 પરપ્રાંતીયોની વિનંતીને સાંભળી તેઓને જમાડી, ટિકિટ કઢાવી આપીને આજે વતન રવાના કર્યાં હતા.પરપ્રાંતિય રાજકુમારે જણાવ્યું હતું કે, અમે ઉત્તરપ્રદેશના ગોંડા જિલ્લાના રહેવાસી છે. અમે 8 લોકો છીએ. લોકડાઉનમાં અમે વડોદરામાં ફસાઇ ગયા હતા.અમારી સાથે છેતરપિંડી થઇ છે, પરંતુ પોલીસ મથકના અધિકારીએ અમારી તકલીફ દૂર કરી દીધી છે.અમને વતન મોકલી આપવાની વ્યવસ્થા કરી છે. અમે પોલીસ અધિકારી તેમજ પોલીસ મથકના સ્ટાફનો આભાર માનીએ છે.
પરપ્રાંતિયો સાથે છેતરપિંડી કરનાર કહે છે કે,તેઓને ધક્કા ખાવા ન પડે તે માટે ટિકિટ કઢાવવા માટે પૈસા લીધા હતા. પરપ્રાંતીયોને ટિકીટ કઢાવી આપવાના બહાને રૂપિયા 5,600ની છેતરપિંડી કરનાર વિજય પરમારે જણાવ્યું હતું કે, મારો ઇરાદો પરપ્રાંતીયોને છેતરવાનો ન હતો. તેઓને ધક્કા ખાવા ન પડે તે માટે તેઓ પાસેથી ટિકિટ કઢાવવા માટે પૈસા લીધા હતા. હું તેમના પૈસા પરત કરી દેવા તૈયાર છું. મારી ભૂલ થઇ ગઇ છે. મારો પરપ્રાંતીયો પાસેથી ટિકિટ કઢાવી આપવા માટે પૈસા લેવાની સત્તા ન હોવા છતાં મેં લીધા છે.