વડોદરા: 30 જાન્યુઆરી એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ. બાપુની પુણ્યતિથિ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો થકી બાપુને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવે છે. વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ 'મહાત્મા ગાંધી નગર ગૃહ' ખાતે ગાંધીજીના નિર્વાણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકો માટે કાંતણ સ્પર્ધા અને શિક્ષણ સમિતિના શિક્ષકો દ્વારા સંગીતવૃંદ થકી પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ દિલીપસિંહ ગોહિલ, ઉપાધ્યક્ષ નલિન ઠાકર, સભ્યો અને શિક્ષકો તેમજ બાળકો જોડાયા હતા અને મહાત્મા ગાંધીબાપુને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. આ ઉપરાંત ગાંધી નિર્વાણ દીવસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ શિક્ષકો, બાળકો અને સભ્યોએ શાળા અને શહેરને સ્વચ્છ રાખવા અને બાપુના સિદ્ધાંતો આધારિત જીવન જીવવા પ્રતિજ્ઞા લીધી હતી.