વડોદરાઃ એલેમ્બિક જૂથ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં 10 કરોડ અને મેયર ફંડમાં 10 લાખનું યોગદાન, જ્યારે સિક્કીમ સરકારને 15 લાખનું અનુદાન આપ્યું છે. આ ઉપરાંત એલેમ્બિક જૂથ દ્વારા ટ્રસ્ટની ત્રણ સ્કૂલની વર્તમાન શૈક્ષણિક વર્ષની ફીમાં મોટી જાહેરાત કરી છે.
વડોદરા સહિત સમગ્ર રાજ્ય હાલ કોરોના વાયરસ સામે લડત આપી રહ્યું છે. આ વિકટ પરિસ્થિતિમાં 112 વર્ષ જુનું એલેમ્બિક જૂથ દ્વારા કોરોના વાયરસની લડત સામે અને ટ્રસ્ટની સ્કૂલોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે અનોખો સેવાયજ્ઞ કર્યો છે. એલેમ્બિક ફાર્માસ્યુટિકલના એમડી પ્રણવ અમીન અને શૌનક અમીન દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. 10 કરોડ અને વડોદરાના મેયરના ફંડમાં 10 લાખનું યોગદાન આપ્યું છે. આ ઉપરાંત આ જૂથે સિક્કીમ સરકારને પણ કોરોના માટે 15 લાખનું અનુદાન આપ્યું છે.
બીજી તરફ એલેમ્બિક જૂથ દ્વારા વર્તમાન શૈક્ષણિક વર્ષ માટે ટ્રસ્ટની એલેમ્બિક અને ઉત્કર્ષ સ્કૂલના વિદ્યાર્થીઓની 100 ટકા ફી માફી કરી છે, જ્યારે તેજસ વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે 50 ટકા ફી માફી કરવામાં આવી છે.