- મુખ્યમંત્રી આવાસના મકાનોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ
- હલકી ગુણવત્તાને લઈને સ્થાનિકોએ કરી રજૂઆત
- પ્લાસ્ટર અને સોલાર પેનલમાં પણ નબળી ગુણવત્તાની ફરિયાદ
વડોદરા: શહેરમાં ગોત્રી વિસ્તારમાં આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનોના રહીશોએ પ્રાથમિક સુવિધાનો અભાવ અને હલકી ગુણવત્તાને લઈને નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ઉગ્ર રજૂઆત કરી આક્રોશ ઠાલવ્યો હતો. લોકોનો આક્રોશ છે કે, બિલ્ડરે હજુ મેન્ટેનન્સના રૂપિયા પણ આપ્યા નથી. ઉપરાંત મકાનના બાંધકામમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને મકાનોમાં પ્રાથમિક સુવિધાનો પણ અભાવ છે. જેથી આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માગ કરી છે.
રાવપુરા નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરીએ કરી રજૂઆત
સ્થાનિકોએ આજે રાવપુરા નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી ખાતે મોરચો કાઢીને અધિકારીને રજૂઆત કરી હતી અને તપાસની માગણી કરી હતી. ગોત્રી ટીપી સ્કીમ નંબર 60ના ફાઈનલ પ્લોટ નંબર 127 ખાતે કોર્પોરેશને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો બનાવ્યા છે શિવાલય હાઈટ્સ નામના આ આવાસોમાં પ્લાસ્ટરના નામે ગોટાળા કરાયા હોવાનો પણ રહીશોએ આક્ષેપ કર્યો હતો. આજે રહીશોએ નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી ખાતે અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કે, આવાસોમાં સોલર પેનલ ચીલાચાલુ કંપનીની હોવાની તેમજ તેની બેટરી પણ અનબ્રાન્ડેડ લગાવેલી છે. સાથે જ મકાનના પ્લાસ્ટરમાં પણ પાતળુ પ્લાસ્ટર લગાવવામાં આવ્યું છે.
સ્થાનિકોનો આક્ષેપ, બિલ્ડરે નથી પરત આપ્યા મેન્ટેનન્સના રૂપિયા
એટલુ જ નહીં ત્યાં લિફ્ટની સમસ્યાથી પણ રહીશો પરેશાન છે. તેમજ બિલ્ડરે હજુ મેન્ટેનન્સના રૂપિયા પણ પરત આપ્યા નથી. આવાસોની આગળની બાજુએ દુકાનો બનાવેલી છે. જ્યાં બિલ્ડર ક્યુબ કન્સ્ટ્રક્શનની ઓફિસ આવેલી છે. ત્યાં બેઠેલા માણસોને રહીશો રજૂઆત કરી તો તેઓ અપશબ્દો બોલે છે, તેવો આક્ષેપ પણ રહીશોએ કર્યો હતો.