હાઈકોર્ટે સરકારની તપાસ કમિટિના રિપોર્ટને માન્ય રાખતા સમગ્ર 48 હજાર ચો.મી વિસ્તારમાંથી કેટલો ભાગ તલાવડી હોવાથી આસપાસની જગ્યા પર આવાસ યોજનાનું બાંધકામ થઈ શકે તેવી પરવાનગી આપી છે. હાઈકોર્ટના આ મહત્વના ચુકાદા બાદ આશરે 1200 જેટલા પરીવારોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળશે. સરકારની તપાસ કમિટિના રિપોર્ટ બાદ કેટલી જગ્યામાં આવાસ યોજના બનાવવામાં આવશે અને તલાવડી કેટલા વિસ્તારમાં હશે તે નક્કી કરાશે. અગાઉ સરકારની તપાસ કમિટિના રિપોર્ટના આધારે કુલ 48 હજાર ચો.મી વિસ્તારમાંથી 4200 ચો.મી ભાગ તલાવડીનો વિસ્તાર છે અને અન્ય ભાગ પર પ્રધાનમંત્રી આવાસ યોજનાનું બાંધકામ થઈ શકે છે તેવી વિગતો હતી.
અરજદાર વતી દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝુંપડપટ્ટી ખસેડી ત્યાં પ્રધાનમંત્રી આવાસ બનાવવામાં આવી રહ્યાં છે. ત્યાં જળસ્ત્રોત એટલે કે, તલાવડી હોવાથી બાંધકામ થઈ શકે નહિ અને હાઈકોર્ટે વર્ષ 2018માં રિટના આધારે બાંધકામ પર સ્ટે આપ્યો હતો. સરકારે તપાસ કમિટિની રચના કરી હતી, જેમાં શું ત્યાં તળાવ હતું કે, કેમ અને જો હતું તો કેટલા વિસ્તારમાં હતું તેનો રિપોર્ટ રજુ કરવાનો આદેશ કર્યો હતો. તપાસ કમિટિની રિપોર્ટની જરૂર નથી અને આખી જગ્યા પર તલાવડી હોવાનો અરજદારે દાવો કર્યો હતો.