- વડોદરામાં દુષ્કર્મની વધુ એક ફરિયાદ
- શહેરના આશ્રમમાં પાખંડી બાબા વિરુદ્ધ ફરિયાદ
- આરોપી દુષ્કર્મના આરોપમાં ભોગવી રહ્યો છે સજા
- પાખંડી પ્રશાંતનો ગોત્રી પોલીસે જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવ્યો
વડોદરાઃ શહેરના એક આશ્રમમાં 6 વર્ષ પહેલાં પરિવાર સાથે સત્સંગમાં આવતી ધોરણ-10ની વિદ્યાર્થિનીને સેવા માટે રાખી હતી. સેવા માટે રાખનાર પ્રશાંત ઉપાધ્યાય તેની અંગત શિષ્યા મારફતે વિદ્યાર્થિનીને પગ દબાવવાની સેવા માટે રૂમમાં બોલાવતો હતો. પ્રશાંત બેડરૂમમાં હોવાથી વિદ્યાર્થિની સંકોચ અનુભવતી હતી. પરંતુ તેની શિષ્યાઓ દ્વારા વિદ્યાર્થિનીને ધમકાવવામાં આવતી હતી.
વિદ્યાર્થિનીને વીડિયો વાઈરલ કરવાની ધમકી
પ્રશાંત તારા પરિવારને મોટું નુકસાન કરશે તેમ કહી પાખંડીની અંગત શિષ્યાઓ વિદ્યાર્થિનીને વારંવાર તેના બેડરૂમમાં મોકલતી હતી. પ્રશાંતે વિદ્યાર્થિનીને તારામાં શક્તિનું સ્થાપન કરવાનું છે, તેમ કહી દુષ્કર્મ આચર્યુ હતુ. પાખંડીએ વિદ્યાર્થિનીની જાણ બહાર વીડિયો ઉતારી લઇ વાઇરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચરતો હતો.
ગોત્રી પોલીસમાં ફરિયાદ નોંધાઈ
પીડિતાએ બનાવ અંગે ગોત્રી પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી દુષ્કર્મના કેસમાં જેલમાં સજા ભોગવી રહ્યો છે. ત્યારે ગોત્રી પોલીસે દુષ્કર્મના વધુ એક ગુનામાં ટ્રાન્સફર વોરંટથી પ્રશાંત ઉપાધ્યાયનો કબજો મેળવ્યો છે. આરોપીનો કોરોના ટેસ્ટ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી.