વડોદરાઃ આ ઘટના બાદ મીડિયા તરફથી તેમને સંપર્ક કરતા હોસ્પિટલના CEO ઇન્દ્રજીત મીટિંગમાં હોવાના કારણે સંપર્ક થઇ શક્યો નહોતો. જે.જી.માહુરકરના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને અંતિમ દર્શને મુકવામાં આવ્યો હતો, ત્યારબાદ અંતિમક્રિયા બહુચરાજી ખાસવાડી સ્મશાન ખાતે કરવામાં આવી હતી.

રેલવે મજદૂર સંઘના અગ્રણીએ જણાવ્યું કે, મોડી રાત્રે 12:30 વાગ્યે દાદાના પરિવારમાંથી મને ફોન આવ્યો હતો. દાદાને ગભરામણ થાય છે. જેથી હું તેમના ઘેર પહોંચ્યો હતો. તુરંત જ અમે તેઓને રેલવે સાથે ટાઇઅપ થયેલી ટ્રાઈકલર હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાં 30થી 35 મિનિટ સુધી ફરજ પરના તબીબો અને સ્ટાફ દ્વારા હોસ્પિટલમાં દાખલ ન કરતા તેમને કારમાં જ અંતિમ અંતિમ શ્વાસ લીધા હતા.
તેઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, રેલવેના ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.બહ્મપ્રકાશ સાથે પણ વાત કરીને ટ્રાઈકલર હોસ્પિટલમાં અપોઇમેન્ટ લખાવી હતી. તેમ છતાં ફરજ પરના તબીબો અને સ્ટાફ દ્વારા હોસ્પિટલનો દરવાજો ખોલવામાં આવ્યો ન હતો અને અમને હોસ્પિટલમાંથી બહાર કાઢવા માટે સિક્યુરિટીને બોલાવી હતી. જેના કારણે દાદાને સમયસર સારવાર ન મળતા તેમનું નિધન થયું હતું અને ડોક્ટરોને ખબર પડી કે દાદાનું નિધન થઇ ગયું છે, ત્યારે તુરંત જ તેઓ હોસ્પિટલમાંથી રવાના થઇ ગયા હતા.
વધુમાં તેમને જણાવ્યું કે, 1977થી વેસ્ટર્ન રેલવે ડિવિઝનલ સેક્રેટરી તરીકે હોદ્દો સંભાળ્યા બાદ છેલ્લા 5 દાયકાથી તેઓ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના હોદ્દાઓ પર કાર્યરત રહ્યા હતા અને છેલ્લે તેઓ મહામંત્રી પદે કાર્યરત હતા. આ ઉપરાંત તેઓ NFIRના ઉપાધ્યક્ષ પદે પણ કાર્યરત હતા. તેઓ હંમેશા રેલવેના કર્મચારીઓના હિત માટે લડતા આવ્યા હતા. રેલવેનું ખાનગીકરણ ન થાય તે માટે તેઓ સતત લડી રહ્યા હતા. વડોદરા શહેરના નટુભાઇ સર્કલ પાસે આવેલા શિવનેરી એપાર્ટમેન્ટમાં જે.જી. માહુરકર પરિવાર સાથે રહેતા હતા. તેમના નિધનના સમાચાર રેલવેમાં પ્રસરી જતા DRM સહિત ઉચ્ચ અધિકારીઓ તેમના નિવાસસ્થાને દોડી આવ્યા હતા.