- વડોદરામાં કોરોના કેસમાં વધારો
- કોર્પોરેશન ટીમ આવી એકશન મોડમાં
- મહાનગરપાલિકાની 828 ટીમ કરશે ડોર ટુ ડોર સર્વે
વડોદરાઃ રાજ્યમાં યોજાયેલી પેટાચૂંટણીઓ અને દિવાળીના તહેવારોમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા રાજ્યભરમાં કોરોના વાઈરસનો સેકન્ડ વેવ શરૂ થયો છે. શહેરમાં પણ છેલ્લા એક અઠવાડિયામાં કોરોના કેસોમાં નજીવો વધારો થયો છે. જેને પગલે મહાનગરપાલિકાની 828 ટીમોએ શહેરમાં ઘરે-ઘરે ફરીને સર્વે શરૂ કર્યો છે. જેમાં આરોગ્યની ટીમો દ્વારા ઘરના દરેક સભ્યોનું ટેમ્પરેચર ગનથી સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. સ્ક્રનિંગ બાદ જરૂર જણાય તો ઓક્સિજનની ચકાસણી અને કોરોના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. આગામી 8 દિવસમાં શહેરના 18 લાખ લોકોની તપાસ કરવામાં આવશે.
1 અઠવાડિયા દરમિયાન કોરોના કેસમાં વધારો
વડોદરા શહેરમાં એક અઠવાડિયા પહેલા કોરોનાના કેસ રોજ 91ની આસપાસ આવતા હતા, ત્યારે હવે એક અઠવાડિયાથી કોરોનાના રોજના કેસ 105 સુધી પહોંચી ગયા છે. છેલ્લા અઠવાડિયા દરમિયાન કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં 14 કેસનો ઉછાળો આવ્યો છે. જેને પગલે વડોદરા શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે.
કોરોના ટેસ્ટની સંખ્યામાં વધારો કરાયો
શનિવારથી વડોદરા શહેરમાં રાત્રે 9 થી સવારે 6 કલાક દરમિયાન કરફ્યૂ લાગી જાય છે. તેમજ બહાર નીકળતા લોકો સામે પોલીસ કરફ્યૂ ભંગના ગુના પણ દાખલ કરે છે. બીજી તરફ વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ પણ હવે એલર્ટ થઇ ગઇ છે. આથી શહેરમાં કોરોનાના ટેસ્ટમાં વધારો કર્યો છે. અઠવાડિયા પહેલા શહેરમાં 3 હજાર ટેસ્ટ કરવામાં આવતા હતા. જોકે હવે ટેસ્ટની સંખ્યા 3,500ને પાર થઇ ગઇ છે.
આગામી 8 દિવસ સુધી ચાલશે ટેસ્ટિંગ
આગામી દિવસોમાં ટેસ્ટની સંખ્યા હજુ પણ વધારવામાં આવશે. જેથી કરીને કોરોનાના દર્દીઓને ઝડપથી ટ્રેસ કરી શકાય. આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઘરે-ઘરે ફરીને હેલ્થ ચેકઅપ કરવાનો આઠમો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં પાલિકાની 828 ટીમોએ શહેરમાં ઘરે-ઘરે ફરીને સર્વે શરૂ કર્યો છે. જેમાં વડોદરા શહેરના દરેક ઘરે જઇને પાલિકા દ્વારા ઘરના દરેક સભ્યોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ઉંમર લાયક લોકોના ઓક્સિજનનું ચેકિંગ પણ કરવામાં આવે છે, ત્યાર બાદ શંકાસ્પદ જણાતા લોકોના કોરોના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે.