- વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોવિડ વિભાગના ડોક્ટરોએ લીધી કોરોના રસી
- તમામ તબીબોએ કોરોના રસી સંપૂર્ણ સુરક્ષિત હોવાનો તમામને આપ્યો સંદેશ
- રસી લીધેલા ડોક્ટરોએ તમામ લોકોએ કોરોનાની રસી લેવા હાકલ પણ કરી
વડોદરાઃ નવા સપ્તાહના પ્રારંભે જ સયાજી હોસ્પિટલમાં મેડીકલ તેમ જ પેરા મેડિકલ સ્ટાફને હાલ રસી આપવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ ખાતે પણ રસીકરણ કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે. અહીં આજે બીજા તબક્કામાં પ્રથમ વાર 300 જેટલા મેડિકલ સ્ટાફને રસી આપવામાં આવી હતી, જે રસીકરણ કાર્યક્રમમાં સયાજી હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ રંજન ઐયર, બરોડા મેડીકલ કોલેજના ડીન ડોક્ટર તનુજા જાવડેકર તેમ જ કોરોના વિભાગના એડમિનિસ્ટ્રેટિવ નોડલ ઓફિસર ડો ઓ. બી. બેલિમ સાથે ડિપાર્ટમેન્ટોના ડીન તેમ જ અન્ય તબીબોએ પણ રસી મુકાવી હતી. આ સાથે જ કોરોનાની રસી સંપૂર્ણરીતે સુરક્ષિત છે તેવો તમામ ડોક્ટરોએ સંદેશ આપી સૌને રસી લેવા હાકલ કરી હતી.
વરિષ્ઠ ડોક્ટરો સહિત પ્રાધ્યાપકોએ પણ કોરોના રસી લીધી
કોવિડ સારવારના નોડલ અધિકારી ડો. બેલીમ ઓ. બીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આજે કોવિડ સારવારના સલાહકાર અશોક પટેલ અને તબીબી અધિક્ષક ડો. રંજન ઐયરની આગેવાની હેઠળ વિવિધ વિભાગોના વડા તબીબો, વરિષ્ઠ પ્રાધ્યાપકોએ રસી મૂકાવી હતી. તેમાં વહીવટી અધિકારી ડો. બીરેન પાઠક, મેડીકલ કોલેજના ડીન ડો. તનુજા જાવડેકરનો સમાવેશ થાય છે.
રસી લીધા પછી પણ હું પહેલાની જેમ જ કામ કરી શકું છુંઃ નોડલ અધિકારી
ડો. બેલીમે જાતે પણ આજે રસી મૂકાવી જણાવ્યું હતું કે, રસી લીધા પછી મને કોઈ મુશ્કેલી જણાતી નથી. નિરીક્ષણનો સમય પૂરો થયા પછી હું પહેલાની જેમ જ મારી કામગીરી બજાવી શક્યો છું. બપોર સુધીમાં લગભગ 150 લાભાર્થીઓએ રસી મુકાવી છે. તે જોતા સાંજ સુધીમાં 300ને રસી મૂકી શકાશે એવું લાગે છે.