- ડભોઈના ઐતિહાસિક ધોબી તળાવના બ્યૂટિફિકેશનનું કામ ખોરંભે પડ્યું
- પાલિકામાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે બ્યૂટિફિકેશન માટે તાકીદ કરાઈ હતી
- તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય હોવાથી આવતા જતા લોકોને હાલાકી
વડોદરાઃ ડભોઈ નગરની મધ્યમાં ઐતિહાસિક ધોબી તળાવ ટાવર વિસ્તારમાં આવેલું છે. 4 વર્ષ અગાઉ જ્યારે ડભોઈ પાલિકામાં કોંગ્રેસ પક્ષનું શાસન હતું, ત્યારે આ તળાવનું બ્યૂટિફિકેશનનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. જે હજૂ પૂર્ણ થયું નથી. આ ઐતિહાસિક તળાવના કિનારે ડભોઈનું એક માત્ર વિશાળ શાકમાર્કેટ પણ હતું. જે તળાવનું બ્યૂટિફિકેશન 6 માસમાં પૂર્ણ થશેની હૈયાધારણા આપી શાકભાજીના વેપારીઓને ડભોઈના મોતીબાગ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જો કે, આજે 4 વર્ષ વીતી ગયા છતાં હજી સુધી તળાવના બ્યૂટિફિકેશન માટે એક ઈંટ પણ હલાવવામાં નથી આવી. જેથી વેપારીઓમાં તો ભારે રોષ છે. આ સાથે જ રોજબરોજની શાકભાજી ખરીદવા આવતા ગ્રાહકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
તળાવ પાસેના શાકભાજીના વેપારીઓને તંત્રએ કોણીએ ગોળ ચોટાડી ત્યાંથી ખસેડ્યા હતા
રાજકીય આંટીઘુંટીને પગલે તળાવ બ્યૂટિફિકેશનનું કામ ખોરંભે પડ્યું હોવાનું લોકોનું માનવું છે. વહેલી તકે તળાવ બ્યુટિફિકેશનનું કામ પૂર્ણ થાય અને પુનઃ શાકમાર્કેટ તળાવના કિનારે શરૂ કરવામાં આવે તેવી લોક માગ ઊઠી છે. દુકાનો બનવા માટે બનાવેલી પાળીઓ પણ તૂટીને જમીનદોસ્ત થઈ ગઈ, જ્યારે તળાવ કિનારે ગંદકીનું સામ્રાજ્ય વધી ગયું છે. હવે આ તળાવનું બ્યૂટિફિકશનનું કામ પૂર્ણ થશે તે તો પાલિકા તંત્ર જ જાણે? પરંતુ 6 માસની મુદ્દતે અહીંથી સ્થળાંતર કરાવેલા શાકભાજી બજારને પુનઃ તળાવ કિનારે લાવે તેવી લોક માગ ઉઠી છે.