- મહાનગર પાલિકાની ચૂંટણીના ફોર્મ ભરાવવાની પ્રક્રિયા શરૂ
- ચૂંટણી લડવા ઉમેદવારો માટે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ જરૂરી
- શહેરના પોલીસ ભુવન ખાતે દાવેદારોની ભીડ
વડોદરાઃ મહાનગર પાલિકાની ચૂંટણીના ફોર્મ ભરાવવાની પ્રક્રિયા શરૂ થઈ છે, ત્યારે ઉમેદવારી કરવા ઈચ્છતા વ્યક્તિ માટે PCC પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ ફરજીયાત છે. જેના સિવાય ચૂંટણી ફોર્મ ભરી શકાતું નથી. જેથી ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ વડોદરા શહેરના પોલીસ ભુવન ખાતે PCC મેળવવા માટે દાવેદારો ઉમટી પડતાં લાંબી કતારો લાગી હતી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે સૌથી મોટા બે પક્ષ કોંગ્રેસ અને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે.વડોદરા મહાનગ પાલિકાની ચૂંટણીની જાહેરાતની સાથે સાથે ચૂંટણી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. જોકે કોણ બાજી મારશે. તે તો આવનાર સમય જ બતાવશે.
પોલીસ ભવન ખાતે દાવેદારો ઉમટ્યા
ચૂંટણી લડવા ઉમેદવારો પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવા શહેરના પોલીસ ભવન ખાતે દાવેદારો ઉમટ્યા હતા. ચૂંટણી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી છે, ત્યારે ઉમેદવારી નોંધાવા માંગતા ટિકિટ વાંચ્છુકોને PCC સર્ટિફિકેટ કઢાવવું ફરજીયાત હોવાથી પોલીસ ભવન ખાતે દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી લઈ આજદિન સુધીમાં 450થી વધુ PCC સર્ટિફિકેટ ટિકિટ વાંચ્છુકોએ મેળવ્યા છે. જેમાં અગાઉ ગુનાહિત ભૂતકાળ ધરાવનારા તેમજ વિવાદિત વ્યક્તિઓએ પણ ચૂંટણી લડવા મેદાનમાં ઝંપલાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.