- પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતનું ટેન્ડર રદ કરવાની માગ કરાઈ
- વિપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે કરી માગ
- ટેન્ડર ખૂબ ઊંચા ભાવનું હોઈ તેને રદ કરવાની કમિશ્નર સમક્ષ માગ કરી
વડોદરાઃ પાલિકાની મળનારી સ્થાયી સમિતિની બેઠક અગાઉ વધુ એક વાર વિવાદ ઉભો થયો છે. એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તૈયાર કરવામાં આવનારા આવાસોની કામગીરી માટેનો ઈજારો તથા પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખાનું નાલંદા ટાંકી ખાતે કામ કરવા માટે આવેલા ભાવપત્રોમાં એક જ ઇજારદારનું ટેન્ડર આવ્યું છે. જે પણ ખૂબ ઊંચા ભાવે આવ્યું હોવાથી સમગ્ર કામ સામે પાલિકાના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે વાંધો ઉઠાવ્યો છે અને નવેસરથી ઓફરો માંગવાની કમિશ્નર સમક્ષ માગ કરી છે.
પાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી વિસ્તારોમાં વ્યાજબી કિંમતમાં આવાસોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અટલાદરા કલાલી સર્વે નંબર 585 પૈકી પ્લોટની કામગીરી માટે કન્સલ્ટન્ટ નીમવામાં આવ્યા હતા. અહીં EWS-2 પ્રકારના 35 ચોરસ મીટર કારપેટ એરિયાના આવાસો બનાવવાનો નેટ અંદાજે રૂપિયા 158 કરોડ મુકવામાં આવ્યા હતા. જેમાં 1900 આવાસ તૈયાર કરવામાં આવશે.
ભાવપત્ર નેટ અંદાજિત કિંમતથી 40 ટકા વધુ કિંમતે રજૂ કરાયું
આ સમગ્ર કામ માટે એકમાત્ર ઇજારદારનું અંદાજીત રકમથી 4.97 ટકા વધુનું ભાવપત્ર રૂપિયા 167 કરોડનું આવ્યું હતું. આ સમગ્ર કામગીરી કરવા માટે ઇજારદારને કામ આપવા અંગે શનિવારે સાંજે મળનારી પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણય કરવામાં આવશે. આવી જ રીતે, નાલંદા ટાંકી ખાતે ભૂગર્ભ રૂમ, ટ્રાન્સફોર્મર, ફિડર લાઈન નાખવા તથા ત્યાંનું ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ પંપીંગ મશીનરી ઇન્સ્ટોલ કરવા સાથેના કામ માટે રૂપિયા 4.43 કરોડના અંદાજિત ભાવથી ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. જેમાં એકમાત્ર ઇજારદારનું ભાવપત્ર સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયું છે. આ ભાવપત્ર પણ નેટ અંદાજિત કિંમતથી લગભગ 40 ટકા વધુ કિંમતે સ્થાતી સમિતિમાં રજુ કરાયું છે.
વિરોધપક્ષના નેતાએ હાલ પૂરતું કામ મુલત્વી રાખવાની માગ કરી
જો આ કામ ઇજારદારને અપાશે તો પાલિકાએ રૂપિયા 6.19 કરોડ ચૂકવવા પડશે. આ કામ માટે પણ સિંગર ઇજારદારનો ભાવપત્ર સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયો છે. બન્ને મોટી કિંમતના ઇજારા આપવાના કામ માટે સિંગલ ઇજારદારના ભાવપત્રો મંજૂરી અર્થે સ્થાયી સમિતિમાં રજૂ થયા હોવાથી કોંગ્રેસ પાર્ટી દ્વારા એનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. વિરોધપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આ માટે ફરીથી ઓફરો તથા હાલ પૂરતું કામ મુલત્વી કરવાની કમિશ્નર સમક્ષ માગ કરી છે.