વડોદરામાં પ્રદેશ ભાજપ મહામંત્રી ભાર્ગવ ભટ્ટે ગાજરાવાડી અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના રસી લીધી - ગુજરાત
ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી અપાયા બાદ હવે સોમવારથી વૃદ્ધો તેમજ ગંભીર બિમારી ધરાવતા નાગરિકોને કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે પ્રદેશ ભાજપ મહામંત્રી ભાર્ગવ ભટ્ટે વડોદરાના ગાજરાવાડી અર્બન હેલ્થ સેન્ટર ખાતે રસી લીધી હતી.
- વૃદ્ધો તેમજ ગંભીર બિમારી ધરાવતા નાગરિકોને કોરોના રસી આપવાની શરૂઆત
- પ્રદેશ ભાજપા મહામંત્રી ભાર્ગવ ભટ્ટે રસી લીધી
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રસી લઈને સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનો સંદેશ આપ્યો
વડોદરા: સમગ્ર વિશ્વને હચમચાવનારી કોરોના મહામારી સામે ભારતના વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલી રસી હાલ સમગ્ર ભારતના નાગરિકોને મૂકવા માટેની સૌથી લાંબી પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી અપાયા બાદ હવે વૃદ્ધો તેમજ ગંભીર બિમારી ધરાવતા નાગરિકોને રસી મૂકવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. સોમવારે વહેલી સવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લઈને રસી સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનો સંદેશ આપ્યો હતો અને સાથે જ તમામ નાગરિકોને સમય આવે ત્યારે રસી લેવા માટે અનુરોધ કર્યો હતો.
વિવિધ જગ્યાએ રસીકરણ કેન્દ્રો ઉભા કરાયા
વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર તેમજ ખાનગી હોસ્પિટલો ખાતે રસીકરણ કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં સોમવારથી વરિષ્ઠ નાગરિકો અને ગંભીર બિમારી ધરાવતા નાગરિકોને રસી આપવાની શરૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ પ્રથમ ડોઝ લીધા બાદ જે તે પણ વોરિયર્સને બીજો ડોઝ આપવાનું બાકી છે તેને બીજો ડોઝ આપવાનું આયોજન વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં દ્વારા કરવામાં આવ્યું છે.
રસી સંપૂર્ણ સુરક્ષિત: ભાર્ગવ ભટ્ટ
ઉલ્લેખનીય છે કે, સોમવારે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના મહામંત્રી ભાર્ગવ ભટ્ટે પણ આજે કોરોનાની રસી લીધી હતી અને રસી સુરક્ષિત હોવાનો સંદેશ આપ્યો હતો. પ્રદેશ ભાજપ મહામંત્રી ભાર્ગવ ભટ્ટે ગાજરાવાડી અર્બન હેલ્થ સેન્ટર ખાતે રસી લીધી હતી. રસી લીધા બાદ તેઓએ જણાવ્યું કે, હું એકદમ ફીટ છું. રસીનો બીજો ડોઝ લેવા પણ તૈયાર છું. તમામ લોકોએ પણ રસી લઇને કોરોનાથી સુરક્ષિત રહેવું જોઇએ.