- આવાસના ડ્રોની યાદી બદલી કૌભાંડ આચરવાનો મામલો ગરમાયો
- કાઉન્સિલર કલ્પેશ પટેલ અને મનોજ પટેલે આપ્યો ખુલાસો
- સીટી એન્જીનિયરને જાણ થતા સમગ્ર કૌભાંડનો થયો પર્દાફાશ
વડોદરા : શહેરની આવાસ યોજનાના 382 મકાનોમાં પ્રસિદ્ધ થયેલી યાદીમાં કૌભાંડનો મામલો સામે આવ્યો હતો. રાજ્યના વિકાસ દિવસ નિમિત્તે યોજાયેલા ડ્રોના નામોની યાદી બાદ 42 નામ બદલી યાદી પ્રસિદ્ધ કરાઈ હતી. આ બાદ કાર્યપાલક ઈજનેર પ્રમોદ વસાવા અને MIS એક્સપર્ટ નીતીશ પીઠવા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ભાજપના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટી સભ્ય કલ્પેશ પટેલનું અને મનોજ પટેલનું પણ આ મામલે નામ ઉછાળિયું છે.
બે કાઉન્સિલરનું કૌભાંડમાં નામ આવ્યું
કાઉન્સિલર મનોજ પટેલે સ્વીકાર્યું હતું કે, સ્થાયી સમિતિ અને કાર્યપાલક ઈજનેર પ્રમોદ વસાવાને તેમણે રજૂઆત કરી હતી. જોકે, તે રજૂઆત પરત થયેલી પ્રકાશ નગર સ્કીમના એક કિસ્સામાં 2.25 લાખ ભરનારને હજુ સુધી આવાસ નહી મળતા તેના માટે રજૂઆત કરી હોવાની સ્પષ્ટતા કરી હતી. આ ઉપરાંત તપાસમાં સહયોગ આપવાનું પણ જણાવ્યું હતું. આ સાથે જ કાઉન્સિલર કલ્પેશ પટેલે પણ નિવેદન આપતા કહ્યું હતું કે, મારા વિરોધીઓએ ખોટી રીતે નામ ઉછાળિયું છે. આ સાથે તેમણે ચેલેન્જ આપી હતી કે, વિરોધીઓને સ્પર્ધા કરવી હોય તો સામ સામે આવીને સ્પર્ધા કરે. તેમણે પોલીસ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાનું જણાવ્યું હતું.
ભાજપના કાઉન્સિલરના નામ ઉછળતા રાજકીય ગરમાવો
ભાજપના જ 2 કાઉન્સિલરના નામ ઉછળતા રાજકીય ગરમાવો આવતા અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. સમગ્ર કૌભાંડમાં સૌ પ્રથમ લાભાર્થીએ સ્થાયી સમિતિ સભ્ય અજિત દધિચને જાણ કરીને સ્ક્રીનશોટ બતાવ્યા હતા. જે અંગે સ્થાયી સમિતિ સભ્ય અજિત દધિચે સીટી એન્જીનિયરને જાણ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ અંગે સ્થાયી સમિતિ સભ્ય અજિત દધિચે વધુ માહિતી આપી હતી.