- 15 અને 16 માર્ચ રાષ્ટ્રિયકૃત તમામ બેન્કોમાં હડતાલનું એલાન
- બેન્ક કર્મચારીઓ અકોટા-દાંડિયાબજાર બ્રિજ પર એકત્ર થયા
- વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ બ્રિજ પર પહોંચી
વડોદરા: દેશભરની રાષ્ટ્રીયકૃત બેન્કોને સરકાર દ્વારા પ્રાઇવેટ સેક્ટરોના હાથમાં સોંપાઈ રહી છે. જેના વિરોધમાં દેશની તમામ રાષ્ટ્રિયકૃત બેન્કના 10 લાખ જેટલા કર્મચારીઓના યુનિયનો દ્વારા 15 અને 16 માર્ચ દરમ્યાન તમામ બેન્કોમાં હડતાલનું એલાન કરી કામગીરી રોકવાની સરકારને ચીમકી આપી હતી. જેના પગલે 15 અને 16 તારીખે રાષ્ટ્રિયકૃત તમામ બેન્કના કર્મચારીઓ હડતાલમાં જોડાશે.
આ પણ વાંચો: જૂનાગઢમાં બેન્કના ખાનગીકરણના વિરોધમાં કર્મચારીઓએ કર્યા સૂત્રોચ્ચાર
સરકારની ખાનગીકરણ નીતિના વિરોધમાં ભારે સુત્રોચ્ચારો થયા
હડતાલમાં જોડાયેલા તમામ બેન્ક કર્મચારીઓ અકોટા-દાંડિયાબજાર બ્રિજ પર પ્લે કાર્ડ સાથે એકત્ર થયા હતા. જ્યાં સરકારની ખાનગીકરણ નીતિના વિરોધમાં ભારે સુત્રોચ્ચારો કર્યા હતા. રાષ્ટ્રિયકૃત બેન્કોનું ખાનગીકરણ બેન્ક કર્મચારીઓના હિતની તદ્દન વિરોધમાં હોવાનું જણાવી યુનિયન અગ્રણીઓએ ભારે રોષ પ્રકટ કર્યો હતો. ભારે સુત્રોચ્ચાર સાથે યુનિયન અગ્રણીઓએ એમ પણ જણાવ્યું હતું કે, બેન્કોની ખાનગીકરણની આ પ્રક્રિયા સરકારના હિતમાં નથી, જ્યારે ગ્રાહકોના હિતમાં જરાય નહીં હોવાનું ઉમેર્યું હતું. અગાઉ જયારે તમામ બેન્કો ખાનગી હતી ત્યારે બેન્ક કર્મચારીઓ સહિત ગ્રાહકોને ભારે હાડમારી ભોગવવી પડતી હતી. ઉપરાંત ગ્રાહકોના બેન્કમાં પડેલા પૈસાની પણ કોઈ સલામતી ન હતી.
વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા અકોટા બ્રિજ પરથી તમામ બેન્ક કર્મીઓને પોલીસે ખસેડ્યા
વડોદરાની તમામ રાષ્ટ્રિયકૃત બેન્કોના કર્મચારીઓ સરકાર સામે વિરોધ નોંધાવવાના ઇરાદે દાંડિયાબજાર અકોટા બ્રિજ પર એકત્ર થયા હતા. પરિણામે ટ્રાફિક જામના દ્રશ્યો વારંવાર સર્જાતા હતા. જયારે બીજી બાજુ પ્લે કાર્ડ સાથે સુત્રોચ્ચાર થવાથી ત્યાંથી પસાર થતાં રાહદારીઓમાં દહેશત પણ વ્યાપી હતા. પરિણામે કાયદા વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પહોંચેલી પોલીસે બ્રિજ પર એકત્રીત કર્મચારીઓને ખસેડી ટ્રાફિક વ્યવહાર ખુલ્લો કર્યો હતો. જેથી યુનિયન અગ્રણીઓએ પોલીસ કાર્યવાહી સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલનો પ્રથમ દિવસ, 10 લાખ કર્મચારીઓનું સમર્થન