- વડોદરામાં ઈદ ઉલ અદહાની સાદાઈ પૂર્વક ઉજવણી
- ઈદગાહ મેદાન ખાતે જૂજ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી
- નગરજનોને શહેર ખતીબે ઈદ મુબારક બાદી પાઠવી
વડોદરા : શહેરમાં વસતા મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-અદહાની ઉજવણી કરવામાં આવી હતી. જોકે, સરકારની ગાઈડલાઈન પ્રમાણે ઈદગાહ મેદાન ખાતે શહેર ખતીબ અને જૂજ મુસ્લિમ બિરાદરોની ઉપસ્થિતિમાં નમાઝ અદા કરી એક બીજાને ઈદ મુબારક બાદી પાઠવી હતી. કોરોનાને લઈને ભીડ એકત્ર ન થાય તે માટે પોલીસનો બંદોબસ્ત પણ ખડકી દેવાયો હતો.
કોરોના સંક્રમણને કારણે જૂજ લોકોએ જ નમાઝ અદા કરી
કોરોના સંક્રમણને કારણે રાજ્ય સરકારની ગાઈડલાઈનને ધ્યાનમાં લેતા વડોદરા શહેરમાં મુસ્લિમ સમુદાય દ્વારા જાહેરમાં ઈદ-ઉલ-અદહાની જાહેર નમાજ અદા કરી ન હતી. કોરોના સંક્રમણને પગલે જાહેર મેળાવડા કે ધાર્મિક ઉત્સવો પર સરકારે પાબંદી લગાવી હોવાથી ગત વર્ષની જેમ આ વર્ષ પણ ઇદની નમાઝ સામૂહિક રીતે અદા કરાઈ ન હતી. ફક્ત શહેર ખતીબ અને ગણતરીના મુસ્લિમ બિરાદરો દ્વારા વર્ષોની પરંપરા મુજબ ઇદની નમાઝ અદા કરાઈ હતી. કોરોના ગાઈડલાઈનનું પાલન કરીને 8થી 10 લોકોએ જ નમાઝ અદા કરીને કોરના બીમારી જલ્દીથી ખતમ થાય અને સ્થિતિ પૂર્વવત થાય તેવી દુઆ માંગી હતી.
વેક્સિન લેવા માટે ખતીબે કરી અપીલ
શહેર ખતીબ સૈયદ અમીરઉલ્લાહએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરના ઈદગાહ મેદાન ખાતે આવેલી ઇદગાહ મસ્જિદમાં વડોદરા શહેરના જૂજ માણસોએ ભેગા થઈ ઇદની નમાજ અદા કરી છે. સાથે સાથે શહેરમાં સરકારની ગાઈડલાઈન અનુસાર તેમજ પ્રશાસનના નિયમ મુજબ જૂજ વ્યક્તિઓની હાજરીમાં ઇદની નમાજ અદા કરવામાં આવી હતી. ઈદગાહ મેદાન ખાતે વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ એક સાથે હજારો મુસ્લિમ બિરાદરોએ ભેગા થઈને ઇદની નમાઝ અદા કરતા હોય છે અને ઉજવણી કરે છે.પરંતુ હાલ કોરોના સંક્રમણના કારણે આ ભયંકર બીમારીના લીધે જાહેરમાં સામૂહિક નમાજ અદા કરવામાં આવી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વેક્સિનની કોઈ આડઅસર થતી નથી. આપણા સૌના સ્વાસ્થ્ય માટે સરકાર સજાગ છે. જે માટે આપણે પણ સરકારને સહકાર આપીએ તેવી લોકોને અપીલ કરી હતી.