- ડભાસાનાં તળાવમાં 20 કાકણસાર પક્ષીઓના મોત
- તળાવને ડિસઇન્ફેક્ટ કરવા સહિત તકેદારીનાં પગલાં લેવાની કામગીરી શરૂ
- સમગ્ર ગામ અને આસપાસમાં સર્ચ ઓપરેશન તેમજ સર્વેલન્સ હાથ ધરાયું
વડોદરા: પાદરા તાલુકાનાં ડભાસા ગામનાં તળાવ ખાતે ગુરુવારે 20 કાકણસાર પક્ષીઓનાં ટપોટપ મોત નિપજ્યા હોવાની ઘટના બાદ પશુપાલન વિભાગ એક્શનમાં આવ્યું છે. રાત્રે જ એક મૃત પક્ષીનું સેમ્પલ પુના લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જ્યારબાદ સમગ્ર તળાવ ખાતે ડિસઈન્ફેક્શનની કામગીરી શરૂ કરી દેવામાં આવી ગઈ છે.
પુના ખાતેની લેબોરેટરીમાં એક મૃત પક્ષીનું સેમ્પલ ચકાસણી અર્થે મોકલાયું
વડોદરા જીલ્લાનાં પાદરા તાલુકાનાં ડભાસા ગામનાં તળાવ ખાતે વિહરતા અને ત્યાં જ ઝાડ ઉપર વસવાટ કરતાં 20 જેટલાં ભારતીય સફેદ કાકણસાર પક્ષીઓનાં મોત થયા હતા. જેને લઈ વડોદરા પશુપાલન વિભાગનાં નાયબ પશુપાલન નિયામકે સ્થળ મુલાકાત કરી ચાર ટીમો પાસેથી સમગ્ર ગામમાં કોઈ પશુ કે પક્ષીઓમાં ચિન્હ કે બીમારી અંગેનાં સર્વેલન્સની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
પાદરાનાં ડભાસા ગામે 20 પક્ષીઓનાં મોત બાદ પશુપાલન વિભાગે સર્ચ અને સર્વેલન્સની કામગીરી હાથ ધરી ગામમાં અન્ય કોઈ પશુ કે પક્ષીમાં બર્ડ ફ્લૂના કોઈ ચિન્હો અંગે તપાસ શરૂ આ અંગે માહિતી આપતા નાયબ પશુપાલન નિયામક ડૉ. પ્રકાશ દરજીએ જણાવ્યું હતું કે, પાદરા તાલુકાનાં ડભાસા ગામનાં તળાવ ખાતે સફેદ કાકણસારનાં અચાનક મોત થતા તેમાંથી એક પક્ષીનું સેમ્પલ લઈને જીલ્લા પંચાયતનાં પશુધન નિરીક્ષક સાથે રૂબરૂમાં રાત્રે 10 વાગ્યાની ટ્રેનમાં પુણે મોકલી આપ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ ખબર પડશે કે ક્યા કારણોસર પક્ષીઓના મોત થયા છે. આજે પાદરા ડભાસા તળાવની મુલાકાત લીધી હતી. આજે ત્યાં કોઈ પક્ષીનાં મરણનું પ્રમાણ નથી. રાત્રે અને દિવસે કોઈ પક્ષીઓનું મોત નથી થયું. તેમ છતાં પણ અગમચેતીનાં ભાગરૂપે સરપંચ સાથે મિટિંગ કરી હતી અને જે તળાવની જગ્યાએ પક્ષીઓ મરણ પામ્યા હતા. તે જગ્યાને ડિસઇન્ફેક્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પશુપાલન ખાતાની ચાર ટીમો સાથે મિટિંગ કરી ચાર ટીમોને સર્ચ અને સઘન સર્વેલન્સ માટે કાર્યરત કરવામાં આવેલા છે. પ્રથમ ટીમ ડભાસા ગામ ખાતે સર્ચ અને સર્વેલન્સ કરશે અને જો કોઈ પશુ કે પક્ષીમાં કોઈ જાતનાં ચિન્હો કે બીમારીની ચકાસણી માટે ચારેય ટીમો કામે લાગી ગઈ છે. હાલ તો પૂણે લેબોરેટરીમાંથી રિપોર્ટ આવે ત્યારબાદ જ ભારત સરકારની ગાઈડલાઈન મુજબ કામગીરી કરવામાં આવશે.