- ડૉ. નિકુલ પટેલે પોતાની ઉમેદવારી પરત ખેંચી ન હતી
- બિન હરીફ ચૂંટાયેલા સિન્ડીકેટ સભ્યો સામે હાર ન માનનાર ડૉ. નિકુલ પટેલને માત્ર 4 મત મળ્યા હતા
- યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે કોવિડ-19ની ગાઇડલાઇનના ચુસ્ત અમલ વચ્ચે મતદાન થયું
- MS યુનિવર્સિટીની સિન્ડીકેટની 15 બેઠકો માટે પ્રતિ 3 વર્ષે ચૂંટણી યોજાય છે
વડોદરાઃ શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની મહત્વની ગણાતી સિન્ડીકેટની ટીચર્સ કેટેગરીની 4 બેઠકો માટે યોજાયેલી રસાકસીભરી ચૂંટણીમાં ભાજપ સમર્થક તમામ 4 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. MS યુનિવર્સિટીની મહત્વની ગણાતી સિન્ડીકેટની 15 બેઠકો માટે પ્રતિ 3 વર્ષે ચૂંટણી યોજાય છે. વર્ષ-2021થી 2024 માટે યોજાયેલી સિન્ડીકેટની વિવિધ કેટેગરીની કુલ 15 બેઠકોમાંથી 10 હેઠકો ચૂંટણી પૂર્વે જ બિનહરીફ જાહેર થઇ હતી. ટીચર કેટેગરીની 4 બેઠક બિન હરીફ ન થતાં ચૂંટણી કરવાની ફરજ પડી હતી. ટીચર્સ કેટેગરી માટે કુલ 5 ઉમેદવારો ડો.નિકુલ પટેલ, ચેતન સોમાની, ડો. બિજયસિંહ રાઠોડ, ડો. દિલીપ કટારીયા અને મિનેષ શાહે ઉમેદવારી પત્રો ભર્યા હતા.
ભાજપ સમર્થક ઉમેદવારોનો વિજય
ટીચર્સ કેટેગરીમાં ભાજપ સમર્થક ઉમેદવારોનો વિજય થતાં બિનહરીફ ચૂંટાયેલા સિન્ડીકેટ સભ્યો, સેનેટ મેમ્બરો તેમજ યુનિવર્સિટીના શિક્ષકો અને પ્રોફેસરો દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા. આ સાથે વિજેતા ઉમેદવારોના સમર્થકો દ્વારા હેડ ઓફિસ પટાંગણમાં ભારે આતશબાજી કરીને વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. આમ મહારાજા સયાજી રાવ યુનિવર્સિટીની મહત્વની ગણાતી સિન્ડીકેટની ચૂંટણીમાં ભગવો લહેરાયો હતો. આગામી ત્રણ વર્ષ માટે ભગવાધારીઓ યુનિવર્સિટીમાં રાજ કરશે.
ચાર બેઠકો પણ બિન હરીફ કરવા માટે અથાગ પ્રયાસો કરાયા
ચૂંટણી વગર બિન હરીફ જાહેર થયેલા સિન્ડીકેટ મેમ્બરો દ્વારા ટીચર્સ કેટેગરીની ચાર બેઠકો પણ બિન હરીફ કરવા માટે અથાગ પ્રયાસો કર્યાં હતા. પરંતુ ડો. નિકુલ પટેલે પોતાની ઉમેદવારી પરત ખેંચી ન હતી. પરિણામે યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ચૂંટણી યોજાઇ હતી. સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી સેનેટ સભ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મતગણતરીના અંતે સૌથી વધુ મતો મેળવનાર ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. વિજેતા થયેલા ઉમેદવારોના સમર્થકો દ્વારા હેડ ઓફિસ ખાતે ભારે આતશબાજી કરવામાં આવી હતી અને મીઠાઇ ખવડાવીને વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો.
કુલ 70 સેનેટ મેમ્બરોએ મતદાન કર્યું
યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે સવારે 11 કલાકે કોવિડ-19ની ગાઇડલાઇનના ચુસ્ત અમલ વચ્ચે મતદાન શરૂ થયું હતું. કુલ 70 સેનેટ મેમ્બરો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. બપોરે 3 કલાકે મતદાન પૂર્ણ થયા બાદ સેનેટ હોલ ખાતે 3.30 કલાકે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપ સમર્થક ઉમેદવારો ચેતન સોમાનીને 69, ડો. બિજયસિંહ રાઠોડ 69, ડો, દિલીપ કટારીયા 69, અને મિનેષ શાહને 69 મતો મળ્યા હતા. જ્યારે બિન હરીફ ચૂંટાયેલા સિન્ડીકેટ સભ્યો સામે હાર ન માનનાર ડો. નિકુલ પટેલને માત્ર 4 મત મળ્યા હતા જ્યારે એક મત અમાન્ય ઠર્યો હતો.