- પુષ્પાબેન પ્રથમ સમરસ અને પછી સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહ્યાં
- તેમના ફેફસા લગભગ બિન કાર્યક્ષમ થઈ ગયાં હોવાથી વેન્ટિલેટરની જરૂરી હતી
- સ્વસ્થ અને તંદુરસ્ત થઈને નવજીવન પામીને હોસ્પિટલમાંથી વિદાય થયા પુષ્પાબેન
વડોદરા- આ પુષ્પાબેન 30એપ્રિલથી 26મી ઓગસ્ટ સુધી લગભગ 119 દિવસ પ્રથમ સમરસ અને પછી સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહ્યાં. આ પૈકી લગભગ 77 દિવસ તેઓ વેન્ટિલેટર પર રહ્યા. વિક્રમજનક લાંબી અને સમર્પિત સારવારનો આ કિસ્સો ગુજરાતની સરકારી હોસ્પિટલોના સારવાર સેવાના ઇતિહાસમાં અનન્ય ગણાશે એ નિશ્ચિત છે.
આ પણ વાંચો- કોવિડ-19થી પીડિત ગર્ભવતી મહિલાઓને પ્રીએક્લેમપ્સિયાનો વધુ ખતરો રહે છેઃ અભ્યાસ
દર્દીને સમરસ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત હાલતમાં દાખલ કરવામાં આવ્યા
દર્દીને 30મી એપ્રિલના રોજ સમરસ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત હાલતમાં દાખલ કરવામાં આવ્યા, ત્યારે તેમની હાલત ખુબ ગંભીર હતી અને ફેફસાને લગભગ 85 ટકા નુક્સાન થઈ ચૂક્યું હતું. તેવી જાણકારી આપતાં કોરોના વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બીએ જણાવ્યું કે, તેમનો કોરોના સંબંધી RT-PCR રિપોર્ટ તો મે મહિનામાં જ નેગેટિવ થઇ ગયો હતો. જો કે, કોરોનાના લીધે તેમના ફેફસા લગભગ બિન કાર્યક્ષમ થઈ ગયાં હોવાથી વેન્ટિલેટરની જરૂરી હતી.
દર્દીને પુનઃ મજબૂત અને કાર્યક્ષમ કરવા મોંઘી એન્ટીબાયોટિક દવાઓ અને ઈન્જેકશન આપ્યા
11 જૂને દર્દીઓ ઘટી જતાં સમરસ વિસ્તરણ સુવિધા બંધ થઈ જતાં, પુષ્પાબેનને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. અહીં તેમની ડો.જયંત ચૌહાણની ટીમની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા. આ ટીમના ડો.પીંકેશ રાઠવા, ડો.પ્રિયંકા પટેલ, ડો. અસલમ ચૌહાણ અને નર્સિંગ તથા સહાયક સ્ટાફે નવજીવન આપવાના સંકલ્પ સાથે તેમની અવિરત સારવાર કરી, દર્દીનું મનોબળ વધાર્યું. તેમના બગડેલા ફેફસાં સુધારવા, નવેસરથી કાર્યરત કરવા, ફેફસાનું બ્લડ પ્રેશર ઘટાડવા, ફાઇબ્રોસીસનું નિવારણ કરીને તેમને પુનઃ મજબૂત અને કાર્યક્ષમ કરવા મોંઘી એન્ટીબાયોટિક દવાઓ અને ઈન્જેકશન આપ્યા.
દર્દી અને સ્વજનોની આંખોમાં આભારના આંસુ મોતીની જેમ તગતગતા હતા
પુષ્પાબેન આજે સ્વસ્થ અને તંદુરસ્ત થઈને નવજીવન પામીને હોસ્પિટલમાંથી વિદાય થયા, ત્યારે ભાવસભર વાતાવરણ સર્જાયું હતું. દર્દી અને સ્વજનોની આંખોમાં આભારના આંસુ મોતીની જેમ તગતગતા હતા, તો ડોક્ટરો અને સ્ટાફની આંખોમાં કોઈનું જીવન બચાવવાની મહેનત લેખે લાગ્યાના હર્ષની ભીનાશ હતી. 38 વર્ષની વયના આ દર્દી તલાટી તરીકે સરકારના સેવક છે. પુષ્પાબેનને કોરોના અને સંલગ્ન બીમારી સામે જિંદગીનો જંગ જીતાડી ટીમ સયાજીએ ફરી એકવાર સરકારી આરોગ્ય સેવાના બેમિસાલ સમર્પણની તાકાતનો દાખલો બેસાડ્યો છે.