વડોદરાઃ શહેરના આજવા રોડ ઉપર એકતાનગરમાં 30 સપ્ટેમ્બરે બે કોમ વચ્ચે થયેલા ઝઘડામાં ગંભીર ઇજા પામેલા યુવાનનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. 20 વર્ષીય યુવાનનું મોત થતાં એકતાનગરમાં તંગદિલી વ્યાપી ગઇ છે. આ બનાવને પગલે બે કોમ વચ્ચે જૂથ અથડામણ ન થાય તે માટે એકતાનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતક યુવાનની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.
યુવાનને કચરા બાબતે એક પરિવાર સાથે ઝઘડો થયો હતો. વડોદરાના આજવા રોડ પર આવેલા એકતાનગરમાં રહેતો યુવાન 30 સપ્ટેમ્બરના રોજ ઓટો રીક્ષા લઇને પસાર થઇ રહ્યો હતો તે સમયે કચરા બાબતે માથા ભારે તે પરિવાર સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં તે પરિવારના માથાભારે શખ્સો દ્વારા યુવાનને માથામાં લોખંડની પાઇપનો ફટકો મારવામાં આવ્યો હતો. જેમાં યુવાનને ગંભીર ઇજા પહોંચતા તેેને તુરંત જ વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
તે સમયે આ બનાવ અંગે બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે 3 હુમલાખોરની ધરપકડ કરીને જેલમાં ધકેલી આપ્યા હતા. યુવાનનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. યુવાનના મોતના સમાચાર પરિવાર અને એકતાનગરમાં ફેલાતા લોકોમાં હુમલાખોર પરિવાર સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.
એકતાનગરમાં લોકોના ટોળે એકઠા થયા હોવાની જાણ બાપોદ પોલીસને થતાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ પામેલા યુવાનનો મૃતદેહ એકતાનગરમાં લવાય તે પૂર્વે તેના ઘરે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. યુવાનના મોતના કારણે રોષે ભરાયેલા લોકો હુમલાખોર પરિવારના ઘરે હુમલો કરે તેવી દહેશતને લઇ પોલીસ તંત્ર દ્વારા હુમલાખોર પરિવારના મકાન પાસે પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતક યુવાનની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.