- વાઘોડિયા ચોકડી પર ગમખ્વાર અકસ્માત સર્જાયો
- સુરતથી પાવાગઢ દર્શનાર્થે જતા યાત્રીઓ ભરેલા આઇસરને નડ્યો અકસ્માત
- આઈસર ટ્રેલર સાથે અથડાતા 25 યાત્રીઓ ફસાયા
- 11 લોકોના મોત નિપજ્યા
- 17 ગંભીર રીતે ઈજાગ્રસત
- તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
- તંત્રમાં મચી દોડધામ
વડોદરા: સુરતથી પાવાગઢ દર્શનાર્થે જઈ રહેલા એક પરિવારનો વાઘોડિયા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 12 યાત્રીઓના મોત થતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. આઈસર ટેમ્પો ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
વાઘોડિયા ચોકડી પર ગમખ્વાર અકસ્માત સર્જાયો
સુરતના વરાછા વિસ્તારમાંથી એક પરિવાર આઇસર ટેમ્પોમાં પાવાગઢ અને ડાકોર ખાતે દર્શનાર્થે જઈ રહ્યો હતો. વહેલી સવારના 3 કલાકની આસપાસ વડોદરા નજીક વાઘોડિયા ચોકડી પાસે તેઓને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. હાઇવે પર આગળ જઈ રહેલા ટ્રેલરમાં ધડાકાભેર યાત્રીઓ ભરેલું ટ્રેલર અથડાતા અકસ્માત સર્જાયો હતો. યાત્રીઓ ફસાઈ જતા ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કલેક્ટર, સુપરિટેન્ડન્ટ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ SSG હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
અકસ્માતનો ઘટનાક્રમ
મળતી માહિતી અનુસાર સુરતના વરાછા વિસ્તારમાંથી આહીર સમાજનો એક પરિવાર સુરતથી પાવાગઢ અને ડાકોર ખાતે દર્શનાર્થે જઈ રહ્યો હતો. આઈસર ટેમ્પોમાં પુરુષો, મહિલાઓ, બાળકો સમેત કુલ 25 જેટલાં યાત્રીઓ હતા. વહેલી સવારના 3 કલાકની આસપાસ વડોદરા નજીક વાઘોડિયા ચોકડી પર આઇસર ટેમ્પોના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતાં આગળ જઈ રહેલા ટ્રેલરમાં આઇસર ટેમ્પો ભટકાયો હતો. સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં તમામ યાત્રીઓ ફસાઈ ગયા હતા.
આ બનાવને પગલે તાત્કાલિક ફાયરબ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતમાં 17 જેટલા યાત્રીઓને ગંભીર ઈજા પહોંચતા વડોદરાની સયાજી અને ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. આ ઘટનાને લઈ જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ, SSG હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડૉ. રંજન ઐયર, તથા પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સારવાર ખાતે દોડી આવ્યા હતા. આ ઘટનામાં કુલ 12 યાત્રીઓના મોત થયા છે. જેમાં 2 બાળક, 5 મહિલા અને 3 પુરુષનો સમાવેશ થાય છે. હાલ પ્રશાસન દ્વારા તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. જેથી સુરતથી પરિવારજનો પણ સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. નવા વર્ષમાં જ એક જ સમાજના 11થી વધુ સ્વજનોના મોતથી આહિર સમાજમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ આ બનાવ સંદર્ભે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.