- ખાનગી ટ્યુશન ક્લાસિસનાં શિક્ષક વિનુ કટારીયાને આજીવન કેદની સજા
- પરીક્ષામાં પાસ કરાવી આપવાની લાલચે સગીરા પર વારંવાર આચર્યું હતું દુષ્કર્મ
- વિડીયો શુટીંગ કરીને મારી નાંખવાની ધમકી આપી બ્લેકમેલ કરતો હતો
વડોદરા: શહેરમાં ખાનગી ટ્યુશન ક્લાસિસ ચલાવનાર એક શિક્ષકે ધોરણ 12ની વિદ્યાર્થિનીને પરીક્ષામાં પાસ કરાવી આપવાની લાલચ આપીને તેણી પર સતત 4 મહિના સુધી દુષ્કર્મ ગુજાર્યો હતો. જોકે, લંપટ શિક્ષકની પાપલીલાનો ભાંડો ફૂટી જતા સગીરાનાં પરિવારજનોએ આ ઘટના અંગે માંજલપુર પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. બે વર્ષ અગાઉ બનેલી આ ઘટનાની સુનવણી દરમ્યાન કોર્ટ દ્વારા હવસખોર શિક્ષકને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
પાસ કરાવ્યા બાદ મેડિકલમાં સીટ લઈ આપવાની પણ આપી હતી લાલચ
શિક્ષણ જગત માટે શર્મસાર એવી આ ઘટના સામે આવી હતી. 2 વર્ષ અગાઉ એક મધ્યમ વર્ગીય પરિવારની સગીરાએ એક ટ્યુશન ક્લાસિસમાં એડમિશન લીધું હતું. સગીરા ધો.12 સાયન્સમાં નાપાસ થતા ક્લાસિસનાં શિક્ષક વિનુ કટારિયાએ તેણીને પાસ કરાવી દેવાની અને ત્યાર બાદ ડૉક્ટર બનવા માટે મેડિકલમાં સીટ લઈ આપવાની લાલચ આપી હતી. જ્યાર બાદ તે સતત 4 મહિના સુધી સગીરાને જુદી જુદી જગ્યાઓએ લઈ જઈને તેણી પર દુષ્કર્મ ગુજારતો હતો.
ક્લાસ શરૂ થાય તેનાં એક કલાક અગાઉ બોલાવતો, મોબાઈલમાં વિડીયો પણ ઉતારતો હતો
લંપટ શિક્ષક જે ટ્યુશન ક્લાસિસ ચલાવતો હતો, તેનો સમય સાંજે 4થી 8 વાગ્યા સુધીનો હતો. જોકે, સગીરાને પોતાની હવસનો શિકાર બનાવવા માટે તેણીને ક્લાસ શરૂ થાય તેનાં એક કલાક અગાઉ બોલાવી લેતો હતો. સગીરા પર દુષ્કર્મ ગુજારવાની સાથે સાથે વિનુ મોબાઇલ પર તેનુ વિડીયો શુટીંગ પણ કરતો હતો અને સગીરાને ધમકી આપતો હતો કે, જો તુ આ વિશે કોઈને પણ કહીશ તો આ વિડીયો બહાર પાડીને સમાજમાં તને બદનામ કરી દઈશ. જેના કારણે ગભરાઈને સગીરાએ આ કિસ્સાને લઈને ચૂપકિદી સેવી હતી. 4 મહિનાનાં સમયગાળા દરમ્યાન લંપટ શિક્ષક વિનુએ સગીરાને અમદાવાદ અને વડોદરાની વિવિધ હોટલોમાં લઈ જઈને તેણી પર દુષ્કર્મ આચર્યુ હતું.
જમતી વખતે વારંવાર આવી રહેલા ફોન જોઈને પિતાને શંકા ગઈ, કડકાઈથી પૂછતાં ભાંડો ફૂટ્યો
એક દિવસ બપોરે પરીવાર સાથે જમવા બેસેલી સગીરાનો મોબાઈલમાં સતત ફોન અને મેસેજો આવી રહ્યા હતા.જેના પર તેણીનાં પિતાની નજર પડતા તેમણે ફોન ઝૂંટવીને તપાસ હાથ ધરી હતી. એક જ નંબર પરથી માત્ર 10 મિનીટમાં જ 15થી વધુ કોલ આવ્યા હોવાથી પિતાએ તે નંબર પર કોલ કર્યો હતો. સગીરાનાં પિતાનો અવાજ સાંભળીને વિનુએ રોંગ નંબર કહીને ફોન કાપી દીધો હતો. જેથી પિતાએ ફરી વખત ફોન કરી કડકાઈથઈ પૂછતાં વિનુએ વટાણા વેરી દીધા હતા અને પોતે સગીરાનો સાયન્સ ટીચર હોવાનું જણાવ્યું હતું. જેથી પિતાએ સગીરાને પણ આ અંગે કડકાઈથી પૂછતાં દીકરીએ લંપટ શિક્ષકની તમામ પાપલીલા પિતા સમક્ષ મુકી હતી. પરિવારજનોને આ અંગે જાણ થતા તેઓનાં પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી.
લંપટ શિક્ષક સામે અગાઉ પણ અનેક ફરિયાદો
હવસખોર શિક્ષક વિનુ કટારિયા આ અગાઉ શહેરની એક ખ્યાતનામ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. જ્યાં પણ તેની સામે ઘણી ફરિયાદો નોંધાઈ હતી. એક વિદ્યાર્થિનીનાં પરિવારજનોએ આ હવસખોર શિક્ષક વિરૂદ્ધ મેનેજમેન્ટને લેખિતમાં ફરિયાદ પણ આપી હતી.